ડોલવણના ઉંમરવાવનજીક ગામમાં ભારે વરસાદ દરમિયાન કોઝવે પાણીમાં સંપુર્ણ ગરકાવ થતા વાહનવ્યવહાર સદંતર ઠપ્પ થઇ ગયો હતો, પાણી ઓસરતા જ કોઝવેનું થયેલ ધોવાણને લીધે વાહનવ્યવહાર માટે યોગ્ય ન હોવાથી વહીવટી તંત્ર દ્ધારા તાત્કાલિક નવા પુલ ઉપર જરૂરી પુરાણ કરી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરાતા વાહનચાલકોએ રાહત અનુભવી છે.

ડોલવણ તાલુકામાં ઉંમરવાવનજીક ગામના પાટી ફળીયાથી નિશાળ ફળીયાને જોડતા રસ્તા ઉપરનો કોઝવે સંપુર્ણપણે પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર ગત્ દિવસોમાં બંધ થયો હતો. આ રસ્તો ઉંમવાવનજીક, ગડત, આંબિયા, વાંદરદેવી, પાલાવાડી, મંગળીયા વિગેરે અનેક ગામો માટે ઉપયોગી છે. પરંતુ રસ્તા ઉપરનો કોઝવે ભારે વરસાદ દરમિયાન ધોવાણ થઇને તહસનહસ થઇ જતા જેના ઉપરથી વાહનવ્યવહાર બંધ થયો હતો. જો કે કોઝવેની વર્ષો જુના પ્રશ્નના નિરાકરણ માટે પુલનું નિર્માણ ગત્દિવસોમા થયું હતું, પુલનું બાંધકામ 80 ટકા પુર્ણ થયું હોવાથી કોઝવે ઉપરથી જ અવરજવર ચાલુ રહી હતી. પરંતુ વરસાદે કોઝવેનું ધોવાણ કરતા હાલમાં નવા પુલને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવાની કામગીરી તંત્રએ હાથ ધરી છે, પુલની બાકી રહેલી કામગીરીમાં મેટલ પુરાણ કરી વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાતા ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.