તાપીના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકાઓમાં વંશ પરંપરાથી ચાલી આવેલી માન્યતા મુજબ આદિવાસી સમાજ દ્વારા બળેવના તહેવારની ઉજવણી સાથે સાંજના સમયે ગામની સીમમાં એકત્રિત થઇ વાઘદેવની પૂજા-અર્ચના કરી હતી. કેટલાંક ગામોમાં ભંડારા યોજાયા હતા.
છેવાડાના તાલુકામાં રક્ષાબંધન-બળેવ સાથે વાઘદેવની પૂજા-અર્ચના માટે લોકો દ્વારા છેલ્લા કેટલાંક દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી. રક્ષાબંધન પર્વના આગલા દિવસે જ ગામોમાં વાઘદેવની પૂજા-અર્ચનાની જાણકારી લોકોને આપી દેવામાં આવી હતી. ગ્રામજનો પાસેથી ઘરે-ઘરે ફરીને અગ્રણીઓેએ દાળ, ચોખા, તેલ, કાંદા, મરચા કે અન્ય રસોઇની ચીજવસ્તુઓ એકત્રીત કરી હતી, ત્યારબાદ સાંજના સમયે ગામની સીમમાં વાઘદેવની પૂજા-અર્ચના માટે પરિવારમાંથી એક વ્યકિત તથા બાળકો ભેગા થયા હતા. અહીં વાઘની પૂજા સાથે ખેતરોમાં સાગના ખૂંટ રોપી પાકોને નુકસાન ન થાય તેમજ કોઇ જંગલી જાનવર પણ નુકસાનકારક ન બને તેવી પ્રાર્થના કરી હતી. સાસરે ગયેલી બહેનો પણ પોતાના ઘરે આવી આ પર્વની સાથે ઉજવણી કરે છે, ત્યારે ગામડાઓમાં આજે પણ સંસ્કૃતિ જળવાઇ રહી છે.
