તાપીના ઉચ્છલ તાલુકાની સયાજીગામની પ્રાથમિક શાળાની કૃતિ સ્માર્ટ સ્કૂલ બેન્ચ વિથ બુક હોલ્ડ એન્ડ લોક સિસ્ટમે નેશનલ કક્ષા માટે પસંદગી પામી સમગ્ર રાજ્ય તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ન્યૂ દિલ્હી મુકામે તા. 12થી 14 ઓક્ટોબર-26ના રોજ 12મા નેશનલ લેવલ એક્ઝિબિશન એન્ડ પ્રોજેક્ટ કોમ્પિટિશન-2026નું આયોજન ઈન્સ્પાયર એવોર્ડ માનક દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં દેશના તમામ રાજ્યમાંથી કુલ 800 જેટલી કૃતિઓનું પ્રદર્શન ન્યૂ દિલ્હી ખાતે થયું હતું, જેમાં ગુજરાત રાજ્યની કુલ 20 કૃતિઓ નેશનલ કક્ષાએ સિલેકટ થઇ હતી અને જીસીઇઆરટી ગાંધીનગરના આયોજન પ્રમાણે ન્યૂ દિલ્હી ખાતે ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ તાપી જિલ્લાની ઉચ્છલ તાલુકાની પ્રાથમિક શાળા સયાજીગામની કૃતિ સ્માર્ટ સ્કૂલ બેન્ચ વિથ બુક હોલ્ડ એન્ડ લોક સિસ્ટમે નેશનલ કક્ષા માટે પસંદગી પામી હતી. ઉચ્છલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની શાળાની કૃતિ નેશનલ કક્ષાએ સુધી પહોંચી હતી. શાળાના બાળવૈજ્ઞાનિક યશોવી લાલસિંગ વસાવાએ શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક ડો. વિમલકુમાર ભગવાન ટંડેલના માર્ગદર્શન હેઠળ કૃતિ તૈયાર કરી હતી, જેનો મુખ્ય હેતુ શાળામાં બાળકના બેગનું વધારે પડતું વજન ઓછું કરવાનો અને ડિજિટલ સ્ક્રીન દ્વારા એજ્યુકેશન એપ અને ડિજિટલ બૂક દ્વારા શિક્ષણ આપવાનો છે. આ સ્માર્ટ સ્કૂલ બેન્ચમાં બાળકો વધારાના પાઠયપુસ્તકો, કંપાસ બોક્સ મૂકી શકે છે. પાણીની બોટલ, નાની કચરાપેટી, સ્કૂલ બેગ લગાવવા માટે હૂંક, બાળકોની ઊંચાઇ પ્રમાણે એડજસ્ટેબલ કરી શકાય તેવી સોફટ સીટ અને એડજસ્ટેબલ ડેસ્ક પર ડિજિટલ સ્ક્રીન જેવી તમામ ફેસિલિટીવાળી સ્માર્ટ સ્કૂલ બેન્ચનું નિર્માણ કર્યું હતું. કૃતિ નેશનલકક્ષાએ રજૂ કરી ગુજરાત રાજ્ય તથા તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
