સૌથી ઓછુ નલીયામાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં 13.4, ડીસામાં 11 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 11.2, વડોદરામાં 13.6 ડિગ્રી તાપમાન, ભુજમાં 11.4, કંડલામાં 10.7 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 14.5, રાજકોટમાં 11.4 ડિગ્રી, કેશોદમાં 12.1, સુરેન્દ્રનગરમાં 12.4 ડિગ્રી, મહુવામાં 14.7 ડિગ્રી, દિવમાં 16 ડીગ્રી તાપમાન, ભાવનગરમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો?
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે.
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. ખાસ કરીને રાત અને સવારના સમયે શીતલહેરનો પ્રભાવ વધુ તીવ્ર બનશે. પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી બરફબારીનો અસર મેદાની વિસ્તારોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠંડી પવન ફૂંકાઈ રહ્યા છે અને ઠંડીનો અહેસાસ વધુ વધી ગયો છે.
અનેક રાજ્યો માટે શીતલહેર અને ધુમ્મસની ચેતવણી
IMDએ અનેક રાજ્યો માટે શીતલહેર અને ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ‘કોલ્ડ ડે’ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું રહેશે. જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં સવારના સમયે ઘનથી અતિઘન ધુમ્મસ છવાવાની શક્યતા છે.









