કેરળની 18 મહિનાની હાથણી માયા અનેક ફ્રેક્ચર અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી છે. તેને વધુ સારી સારવાર માટે અભયારણ્યમથી ગુજરાતના જામનગર સ્થિત વનતારા ખાતે ખસેડવામાં આવી છે. કેરળના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડૉ. પી. પુગાઝેંધી (IFS)એ પશુચિકિત્સા નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ 5 નવેમ્બર, 2026ના રોજ માયાને ખસેડવાનો આદેશ આપ્યો હતો.

કેરળ વન વિભાગ દ્વારા ઘણા મહિનાઓ સુધી તેની સારવાર કરવામાં આવી હતી. આ ઉપરાંત 24 કલાક તેની દેખરેખ રાખવામાં આવતી હતી. તેમ છતાં તેની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો નહોતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધુ સારી સારવાર માટે વનતારા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વનતારા ખાતે માયાને સઘન સારવાર આપવામાં આવશે. ત્યાં પશુચિકિત્સકોની એક વિશેષ ટીમ તેની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને આગળની સારવારના વિકલ્પો અંગે નિર્ણય લેશે.

માયાને માતાનું પ્રથમ દૂધ પણ મળી શક્યું નહોતું
માયાની કહાની: જન્મના દિવસથી જ માતાથી વિખૂટી પડી, હવે વનતારામાં મળશે સઘન સારવાર

મલયાટ્ટૂર ડિવિઝનના કપ્રીક્કાડ નજીક 19 એપ્રિલ, 2025ના રોજ માયા એકલી મળી આવી હતી. તેનું ઝુંડ નદી પાર કરીને આગળ નીકળી ગયું હતું અને માયા પાછળ રહી ગઈ હતી. તે સમયે હાથણી ખૂબ જ નબળી હતી અને ગંભીર ડિહાઇડ્રેશનનો શિકાર બની હતી. તેને માતાનું પ્રથમ દૂધ પણ મળી શક્યું નહોતું.

જોકે, તેની માતા પાછી ન ફરતાં વન વિભાગે માયાને બચાવીને અભયારણ્યમ ખાતે લાવવાનો નિર્ણય કર્યો હતો. માયા કુદરતી રીતે દૂધ પી શકતી ન હોવાથી વન અધિકારીઓએ તેની 24 કલાક સંભાળ રાખવાની વ્યવસ્થા કરી હતી.

રમતી વખતે પડી ગઈ માયા

માયાની સંભાળ માટે આસિસ્ટન્ટ ફોરેસ્ટ વેટરનરી ઓફિસર ડૉ. બિનોય સી. બાબુ અને વન કર્મચારીઓની ટીમે ઘણી મહેનત કરી હતી. શરૂઆતના એક વર્ષ સુધી માયાને સતત સારવાર આપવામાં આવી હતી.

જોકે, 2 જુલાઈ, 2026ના રોજ રમતી વખતે માયા પડી ગઈ હતી, જેના કારણે તેના જમણા ખભામાં ઈજા થઈ હતી. આ ઘટનાથી તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ સતત સારવાર, ફિઝિયોથેરાપી અને શારીરિક વિકાસ માટેનાં સપ્લિમેન્ટ્સ આપવા છતાં તેની તબિયતમાં સુધારો થયો નહોતો.

ઓક્ટોબરના અંત સુધીમાં તેને ઊભા થવામાં પણ મુશ્કેલી પડવા લાગી હતી. આ દરમિયાન તે માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકતી હતી.

નિષ્ણાતોએ વનતારા મોકલવાની આપી સલાહ

પૂકોડ સ્થિત કોલેજ ઓફ વેટરનરી એન્ડ એનિમલ સાયન્સિસના ડૉ. દિનેશ પી.ટી.એ 24 ઓક્ટોબરના રોજ માયાની તપાસ કરી હતી. તપાસનો રિપોર્ટ ચિંતાજનક હતો. માયાના શરીરમાં અનેક ફ્રેક્ચર, હાડકાંની ગંભીર નબળાઈ, છાતીમાં ચેપ અને લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં પડ્યા રહેવાને કારણે શરીર પર ઘા જોવા મળ્યા હતા. તબીબોએ તેની સ્થિતિ ગંભીર ગણાવી હતી. ત્યારબાદ નિષ્ણાતોએ તેને વનતારા મોકલવાની સલાહ આપી હતી.

સારવારના અન્ય વિકલ્પો શોધવા માટે ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડને 1 નવેમ્બરના રોજ વનતારાની વેટરનરી ટીમ સાથે ચર્ચા કરી હતી. ટીમે માયાના મેડિકલ રેકોર્ડ, એક્સ-રે અને બ્લડ રિપોર્ટની તપાસ કરી હતી.

4 નવેમ્બરના રોજ મેડિકલ બોર્ડની બેઠક યોજાઈ હતી. તેમાં વન વિભાગના અધિકારીઓ, આસામના હાથી નિષ્ણાત અને પશુચિકિત્સક પદ્મશ્રી ડૉ. કુશલ કુંવર શર્મા તેમજ વનતારાના પશુચિકિત્સક સલાહકારો સામેલ થયા હતા.

ડૉ. શર્માએ માયાની સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓની ઓળખ કરી હતી અને જણાવ્યું હતું કે તેની સારવાર શક્ય છે. તેમણે માયાને વિશેષ સંભાળ માટે વનતારા મોકલવાની ભલામણ કરી હતી. વનતારાના એલિફન્ટ કેર સેન્ટરના વડા પશુચિકિત્સક ડૉ. યદુરાજ ખાડપેકરે પણ આ ભલામણને સમર્થન આપ્યું હતું.

મેડિકલ બોર્ડે સર્વસંમતિથી માયાને વનતારા મોકલવાનો નિર્ણય લીધો હતો અને 5 નવેમ્બરના રોજ તેના ટ્રાન્સફરના આદેશ જારી કરવામાં આવ્યા હતા.

વનતારાએ એરલિફ્ટ સહિતની વિશેષ વ્યવસ્થા કરી

માયાને સુરક્ષિત રીતે ખસેડવા માટે વનતારા દ્વારા એરલિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ અને મેડિકલ ટીમની સુવિધા રાખવામાં આવી હતી. હાથીઓની સારવાર કરતા ત્રણ પશુચિકિત્સકો, પેરા-વેટ્સ અને સંભાળ રાખનારા કર્મચારીઓ માયા સાથે મુસાફરી કરી રહ્યા હતા. તેમની પાસે જરૂરી દવાઓ અને તબીબી સાધનો પણ હતાં.

કેરળ વન વિભાગે આસિસ્ટન્ટ ફોરેસ્ટ વેટરનરી ઓફિસર ડૉ. બિનોય સી. બાબુ અને માયાની અગાઉથી સંભાળ રાખતા તેના પરિચિત કેરટેકર નિખિલ બાબુને પણ તેની સાથે મોકલ્યા છે, જેથી મુસાફરી અને સારવાર દરમિયાન તેની સંભાળમાં કોઈ અડચણ ન આવે.

વનતારામાં માયાને 24 કલાક પશુચિકિત્સા નિષ્ણાતોની દેખરેખ અને જરૂરી મેડિકલ ટેસ્ટની સુવિધા મળશે. વિશેષ મશીનની મદદથી ટીમ તેને સુરક્ષિત રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકશે અને યોગ્ય સ્થિતિમાં રાખી શકશે. તેની તબિયતને ધ્યાનમાં રાખીને સારવારના અન્ય વિકલ્પો પર પણ વિચાર કરવામાં આવશે.

માયાની સારવાર પર નજર રાખશે કેરળની તપાસ સમિતિ

માયાની સારવારની સમીક્ષા કરવા માટે કેરળમાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિની અધ્યક્ષતા સેન્ટ્રલ રિજનના કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ, સોશિયલ ફોરેસ્ટ્રી કરશે. સમિતિ સારવાર દરમિયાન માયાની તબિયતની સતત સમીક્ષા કરશે.

સારવાર પૂર્ણ થયા બાદ વનતારા માયાને ફરી અભયારણ્યમ પરત લાવવામાં પણ મદદ કરશે. જોકે, હાલ માયાના સ્વાસ્થ્ય અંગે ચોક્કસ આગાહી કરવી શક્ય નથી. પરંતુ વનતારામાં નિષ્ણાતોની દેખરેખ હેઠળ તેની સારવારથી સ્વસ્થ થવાની શક્યતાઓ અને સારવારના અન્ય વિકલ્પો પર વિચાર કરવાની તક મળશે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d