મેઘરજ નગરમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની 2 કચેરીઓ હોવા છતાં લાલીયાવાડી ચાલી રહી હોય તેવા વહીવટથી ગામની જનતા ક્રોધે ભરાઈ છે.


ગત ઓકટોબર માસમાં ગ્રાહકોએ ઓન લાઈન તેમજ કચેરીમાં જઈને બીલો ભરી દીધા હોવા છતાં ગામના કેટલાક ગ્રાહકોને વીજ કંપનીની કચેરી દ્વારા વીજ બીલો બાકી હોવાની નોટિસો મળતાં ગ્રાહકો આશ્રર્યમાં પડી ગયા છે. ગામમાં વીજ કંપનીના વહીવટના કારણે ગ્રાહકો પણ કંટાળી ગયા હોવાની રાવ છે. ગામમાં કોઈ પણ દિવસે નક્કી સમય કે કોઈ મેસેજ વગર છાશવારે વીજ પુરવઠો બંધ કરી દેવાની ઘટનાઓ પણ એક સામાન્ય બની રહી છે.

મેઘરજના વીજ ગ્રાહક રહીમભાઈ બંગાના ઘેર સ્માર્ટ મોટર છે અને આ મીટરનું બીલ ગત માસમાં રૂ.12,378 આવેલુ હતું. આ મીટરનું બીલ રહીમભાઈએ ગત તા.13-11-25ના રોજ ભરી દીધેલુ અને તેની પાવતી પણ મેળવી લીધેલ પરંતુ વીજ કંપની કચેરી દ્વારા ગ્રાહકોના ખાતાઓમાં ધ્યાન ન અપાતુ હોય કે પછી ગમે તે કારણ હોય પણ ગત તા.19-11-25ના રોજ રહીમભાઈને તેમના ઘરનું લાઈટ બીલ રૂ.12,378 બાકી હોવાની નોટિસ મળી હતી અને નોટિસમાં જણાવ્યા મુજબ, જો 15 દિવસમાં બીલના નાણા નહીં ભરાય તો વીજ પુરવઠો બંધ કરી દેવાની પણ જાણ કરી હતી. રહીમભાઈ તો નોટિસ મળતાં આશ્રયમાંં પડી ગયા હતા અને વીજ કંપનીની લાલીયાવાડીથી કચેરીમાં રજૂઆત કરવા દોડી ગયા હતા.

 મેઘરજમાં ચાલુ માસમાં જે ગ્રાહકોને નવીન લાઈટ બીલ આવ્યા છે તે પણ જોયા વગર આપ્યા હોય તેવા હાલ થયા છે. 500થી વધુ બીલ ન આવે તેવા ગ્રાહકોના ઘેર રૂ.6000 કરતાં પણ વધુ બીલો આવ્યા હોવાની બૂમરાળ ગામમાં ઉઠી છે અને વીજ કંપનીની કચેરીમાં ગ્રાહકો રજુઆત માટે દોડી રહ્યા છે. આ ઘટના બાબતે મેઘરજના વીજ કંપનીની કચેરીના નાયબ ઈજનેરને ફોન કરી માહિતી માગતાં નાયબ ઈજનેર એટલા બધા કામમાં વ્યસ્ત રહે છે કે ફોન ઉપાડવાનો પણ સમય તેમની પાસે નથી.


  • Follow us on: