વિદેશ જવાની ઘેલછામાં અનેક લોકો પોતાનું જીવન મુશ્કેલીમાં મુકી દે છે. ત્યારે તાજેતરમાં ગાંધીનગર અને મહેસાણાના કેટલાક લોકો અમેરિકા જવા નીકળ્યા હતાં. તેમને ઈથોપિયામાં બંધક બનાવવામાં આવ્યા હતાં. મહેસાણા અને ગાંધીનગરના ત્રણ યુવક અને યુવતીને આફ્રિકાના ઇથોપિયામાં બંધક બનાવી એક કરોડની ખંડણી માંગવામાં આવી હતી. તેમના પરિવારે ખંડણીનો મેસેજ મળતાં પોલીસ અને સરકાર પાસે બંધક બનાવવામાં આવેલા તેમના પરિજનોને છોડાવવા માટે માગ કરી હતી. જેથી મહેસાણા પોલીસ અને દેશના વિદેશ મંત્રાલયના સફળ પ્રયાસોથી ત્રણેય લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. 

ચૂંગાલમાં ફસાયેલા ત્રણેય લોકોને છોડાવવામાં સફળતા

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમેરિકા જવા નીકળેલા ગાંધીનગર અને મહેસાણાના ત્રણ યુવક અને યુવતીને આફ્રિકાના ઈથોપિયામાં બંધક બનાવવામાં આવ્યા હતાં. આ ત્રણેય લોકોના પરિવારે સરકાર અને પોલીસ પાસે મદદ માગી હતી. જેથી પોલીસે દેશના વિદેશ મંત્રાયલ સાથે સંકલન કરીને તેમને છોડાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતાં. જેમાં અપહરણકારની ચૂંગાલમાં ફસાયેલા ત્રણેય લોકોને છોડાવવામાં સફળતા મળી છે. આજે તેઓ મુંબઈ આવશે અને ત્યાર બાદ સાંજ સુધીમાં તેઓ પોતાના ઘરે પહોંચશે તેવું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. મહેસાણા જિલ્લાના વડસ્મા ગામનો ઋત્વિક જનસારી, ગોઝારિયા ગામની મમતા ચાવડા તેમજ ગાંધીનગરની મયુરી સોલંકી નામની યુવતી ગત 20 સપ્ટેમ્બરે જયપુરથી અબુધાબી થઈ ઇથોપિયા પહોંચ્યા હતાં. ત્યાંથી તેઓ અમેરિકામાં પ્રવેશ કરવાના હતાં. 

વિદેશી એજન્ટોની ચૂંગાલમાં ફસાઈ ગયા હતાં

તેઓ ઈથોપિયામાં વિદેશી એજન્ટોની ચૂંગાલમાં ફસાઈ ગયા હતાં. તેમના પરિવારને કોઈ શખ્સે ફોન કરીને એક કરોડ રૂપિયાની ખંડણી માંગ હતી. આ દરમિયાન પરિવારને આ લોકો કેનેડા નહીં પણ ઈથોપિયામાં બંધક બનાવાયા હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ લાંઘણજ પોલીસમાં પરિવારે અરજી આપી અને એસપીએ ડીવાયએસપી સહિતના સ્ટાફને તપાસમાં જોડી દીધા હતાં. ત્યાર બાદ તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રાલય સાથે સંકલન કર્યું હતું. પોલીસ અને વિદેશ મંત્રાયલના પ્રયાસોના કારણે અપહરણકારોએ તેમને મુક્ત કર્યાલહતાં. તેઓ બુધવારે રાત્રે ત્યાંથી નીકળ્યા હતાં અને આજે મુંબઈ આવશે. ત્યાંથી તેઓ પોતાના વતન પહોંચશે. પોલીસે આ ઘટનામાં સ્થાનિક એજન્ટની પૂછપરછ કરી છે.‎વડોદરાના એજન્ટની પણ તપાસ ચાલુ કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ Ahmedabad News: મકરબા બ્રિજની ડિઝાઈનનો વિવાદ, બ્લેકલિસ્ટ કરેલી વિવાદાસ્પદ એજન્સી સામે AMC લાચાર