ગુજરાતના પ્રખ્યાત અને પવિત્ર યાત્રાધામ તેમજ આદ્યશક્તિની ઉપાસનાના કેન્દ્ર સમાન બહુચરાજી શક્તિપીઠ ખાતે નવરાત્રિ મહોત્સવનો અત્યંત ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણમાં પ્રારંભ થયો છે. નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના મંદિરના ગર્ભગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોના નિયમોનુસાર અને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે થયેલી આ સ્થાપનાથી સમગ્ર મંદિર પરિસર માં અંબાની ભક્તિમાં લીન થઈ ગયું હતું.
વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં વિશેષ પૂજા-અર્ચના
નવરાત્રિના પ્રથમ દિવસે મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વિદ્વાન બ્રાહ્મણોની પવિત્ર ઉપસ્થિતિમાં મા બહુચરાજી સમક્ષ ઘટસ્થાપન કરી જગદંબાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. માતાજીના અલૌકિક શ્રૃંગાર અને દિવ્ય દર્શનનો લ્હાવો લેવા માટે દૂર-દૂરથી હજારોની સંખ્યામાં માઈભક્તો બહુચરાજી પહોંચ્યા હતા. "જય બહુચર માં" ના જયનાદો સાથે આખું ધામ ગુંજી ઉઠ્યું હતું.
