મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે,2003થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી ગુજરાત ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર અગ્રેસર બન્યું છે. વિશ્વભરના ઉદ્યોગ-રોકાણકારો માટે ગેટ-વે ટુ ધી ફ્યુચરની વિશેષ ઓળખ ગુજરાતે ઊભી કરી છે.ગુજરાતની આ ઈમેજને વોકલ ફોર લોકલથી વધુ ઉજાગર કરવા અને વિકાસનો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાની નવી પહેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના આયોજનથી આપણે કરવી છે.મુખ્યમંત્રીએ કોન્ફરન્સના લોગો, વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું હતું.
ગુજરાતના દરેક પ્રદેશની આગવી પ્રોડક્ટ અને ઓળખ છે
રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક, આર્થિક સ્ટ્રેન્થ અને રોકાણોની રેડીનેસની સજ્જતાનું પ્લેટફોર્મ બનનારી આ વાઇબ્રન્ટ રિજિયોનલ કોન્ફરન્સની પ્રથમ કોન્ફરન્સ આગામી 9 અને 10 ઓક્ટોબરે મહેસાણા જિલ્લામાં યોજાવાની છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં આવી રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતના દરેક પ્રદેશની આગવી પ્રોડક્ટ અને ઓળખ છે અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની વિશેષ સ્ટ્રેન્થ પણ છે. કેટલાક જિલ્લાઓ તો એવું પોટેન્શિયલ ધરાવે છે કે દેશના અન્ય રાજ્યો કરતા પણ અનેક ગણું વધારે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ અને પ્રોડક્શન આ જિલ્લાઓમાં છે.
સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો ધ્યેય પાર પડશે
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત કૃષિ, મત્સ્યોદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ-પેટ્રો કેમિકલ, જેમ્સ-જ્વેલરી, એન્જિનિયરિંગ, ફાર્મા અને ટેક્સટાઇલ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે.હવે ગુજરાતને નવા ઉભરતા અને ફ્યુચરિસ્ટિક સેક્ટર્સ સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રીક મોબિલિટી, એરોસ્પેસ, ડિફેન્સ, ગ્રીન એનર્જીમાં આત્મનિર્ભરતા સાથે લીડર બનાવવાનું છે.ગુજરાતમાં જે ઉદ્યોગ આવે તે જે જિલ્લાઓમાં ઔદ્યોગિક વિકાસની વિશેષતાઓ છે ત્યાં સ્થપાય તે માટેના પ્રયાસોમાં આ રિજિયોનલ કોન્ફરન્સ પરિણામદાયી બનશે. ક્વોલીટી પ્રોડક્ટથી તે જિલ્લાની બ્રાન્ડ ઈમેજ ઊભી થશે અને વિકાસનો સાચો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચતા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો ધ્યેય પાર પડશે.
રાજ્યના ચાર મુખ્ય પ્રાદેશિક કેન્દ્રોમાં યોજાશે
આ સંમેલનો રાજ્યના ચાર મુખ્ય પ્રાદેશિક કેન્દ્રોમાં યોજાશે. જેમાં ઉત્તર ગુજરાત માટે મહેસાણા (9-10 ઓક્ટોબર ૨૦૨૫), કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રાજકોટ (8-9 જાન્યુઆરી 2026), દક્ષિણ ગુજરાત માટે સુરત (9-10 એપ્રિલ 2026) અને મધ્ય ગુજરાત માટે વડોદરા (10-11 જૂન 2026)નો સમાવેશ થાય છે.આ સંમેલનો દ્વારા લોકો, ઉદ્યોગસાહસિકો, યુવાનો અને સ્થાનિક નેતૃત્વને એક મંચ પર લાવીને તેમની આકાંક્ષાઓને શાસનની નીતિઓ સાથે જોડવાનો પ્રયાસ થશે. ઉપરાંત, પરંપરાગત ક્ષેત્રો ઉપરાંત મૂલ્યવર્ધિત પાક ઉત્પાદન અને ગ્રીન એનર્જી જેવા ઉભરતાં ક્ષેત્રોમાં પણ નવી તકો ઊભી કરશે.