રવિ સિઝનના વાવેતરને ધ્યાને રાખીને રાજય સરકારે કેબિનેટ બેઠકમાં ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. ટયૂબવેલ ચલાવવા માટે દિવસના 8 કલાકના બદલે હવે 10 કલાક થ્રી-ફેઝ વીજ પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉ.ગુજરાતમાં હાલ 2.19 લાખ હેકટરમાં વાવેતર થયું છે. હજુ આગામી સપ્તાહમાં તેમાં વધારો થશે. ખેતીવાડી ફીડરોમાં 10 કલાક વીજ પુરવઠો આપવા માટે રાજયના જનપ્રતિનિધિઓ તેમજ અનેક ખેડૂતોએ મુખ્યમંત્રીને રજૂઆતો કરી હતી. જેથી સરકારે કેટલાક જિલ્લામાં 10 અને કેટલાક જિલ્લામાં 12 કલાક વીજ પુરવઠો આજથી આપવાનું શરૂ કર્યું છે. પરંતુ, વીજ માંગ વધતાં ટયૂબવેલ માટે જરૂરી 415-425 વોલ્ટેજના બદલે 350-360 વોલ્ટેજ મળી રહ્યા છે. 8ના બદલે 10 કલાક વીજ પુરવઠો મળે તેને ખેડૂતોએ આવકારી છે. પરંતુ, 8 કલાકના વીજ પુરવઠામાં સબમર્સીબલ માટે જરૂરી વોલ્ટેજ ન મળતા હોવાના કારણે અનેક ખેડૂતોની મોટરો બળી જાય છે. વીજ પુરવઠો ઓછો મળવાના કારણે અનેક વાર ટયૂબવેલ ટ્રીપ મારે છે. વારંવાર આવી રીતે ટ્રીપ થવાના કારણે મોટર અને સ્ટાટર બળી જવાથી ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવે છે. ટયૂબવેલ સતત 10 કલાક ચાલુ રાખવા માટે વીજ પુરવઠો 415 વોલ્ટેજ સતત અવિરત મળવો જોઈએ. જેની સામે હાલ 350-360 જ મળી રહ્યો છે તે વ્યવસ્થામાં સુધારો કરવાની ખેડૂતોની માંગણી છે. ઉ.ગુજરાતમાં રવિ સિઝનનું હાલમાં ઘઉં, રાયડો, તમાકુ, અને લીલો ઘાસચારાનું વાવેતર થઈ રહ્યું છે. મહેસાણામાં 30,500 હેકટર, પાટણમાં 73,200, બનાસકાંઠામાં 83,300, અરવલ્લીમાં 10,ર00 અને સાબરકાંઠામાં 22,100 મળી કુલ 2,19,300 હેકટરમાં વાવેતર થયું છે. હજુ પણ ઘઉનું વાવતેર ચાલુ છે. જેથી વીજ કંપની પુરતા વોલ્ટેજ આપે તે જરૂરી છે.










