ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં મંગળવારે સવારે 7.00 કલાકે પાણીની આવક 86,892 ક્યૂસેક પહોંચી હતી. ડેમના 8 દરવાજા 10 ફૂટે ખોલીને વધારાનું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.


જેથી ડેમની પાણી સમાવવા પાત્ર 622 ફૂટની સપાટી સામે જળ સપાટી 618.53 ફૂટે જાળવી રાખી હતી. ડેમમાં પાણીનો જથ્થો 86.68 ટકા એકત્રિત થતાં જળાશય હાઈ એલર્ટ ઉપર છે. સવારે 9.00 કલાકે પાણીની આવક વધીને 1,17,084 ક્યુસેક નોંધાઈ હતી. જે ઘટીને બપોરે 1.00 કલાકે 1,07,248 ક્યુસેક થઈ હતી. સાંજે 4.00 કલાકે પાણીની આવકમાં ઘટાડો થતાં 68,358 ક્યુસેક નોંધાઈ હતી. જયારે જાવક 1,07,248 ક્યુસેક હતી. ધરોઈ ડેમ સાઈટનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉપરવાસમાંથી થતી પાણીની આવકને કારણે સવારે 7.00 કલાકે 8 ગેટ 6 ફૂટના અંતરે ખોલવામાં આવ્યા હતા. જે 9.00 કલાકે 4 ગેટ 10 ફૂટે અને 4 ગેટ 6 ફૂટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. બપોરે 1.00 કલાકથી સાંજે 4.00 કલાક સુધી 8 ગેટ 10 ફૂટે ખુલ્લા રાખી હેઠવાસમાં 107248 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે.


  • Follow us on: