ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન ઈમરજન્સી કેસોમાં વધારો થવાથી 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી છે. અકસ્માતો, આગ અને દાઝી જવાના બનાવો સહિત શ્વાસની તકલીફો અંગેના કેસો વધુ પ્રમાણમાં સામે આવ્યા હતાં. ત્યારે મહેસાણાના પાલાવાસણામાં 108ની ટીમે એક ગર્ભવતી મહિલાની રિક્ષામાં જ સફળ ડિલિવરી કરાવી માતા અને બાળકીને જીવ બચાવી લીધો હતો.


તેલાવી ગામમાં એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે સવારે જોટાણાના તેલાવી ગામમાં એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. આ મહિલા પોતાના વતન જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં જ તેમને પ્રસૂતિની પીડા ઉપડી હતી. રિક્ષા ચાલકે તાત્કાલિક રિક્ષા ઉભી રાખીને 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. પાલાવાસણા 108ની ટીમના ઈએમટી કાજલબેન અને પાયલોટ ખોડાજી ચૌહાણ ગણતરીની મીનીટમાં જ પહોંચી ગયા હતાં.

આ મહિલાની ડિલિવરી તાત્કાલિક અસરથી થવાની સ્થિતિમાં હતી

108ની ટીમને જાણવા મળ્યું હતું કે, આ મહિલાની ડિલિવરી તાત્કાલિક અસરથી થવાની સ્થિતિમાં હતી. જેથી હોસ્પિટલ સુધી જઈ શકાય તેટલો સમય નહોતો. આ દરમિયાન 108ની ટીમે અમદાવાદના તબીબી નિષ્ણાંતોની સહાયથી મહિલાની રિક્ષામાં જ નોર્મલ ડિલિવરી કરાવી હતી. 108ની ટીમની અસરકારક કામગીરીથી મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ માતા અને બાળકીને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. હાલમાં બંનેની હાલત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.  

  • Follow us on: