મહેસાણા તાલુકાના ખેરવા ગામથી સાંગણપુર-આખજ અને વેડા સુધી જોડતા રોડ રૂ.36 કરોડના ખર્ચે રીસર્ફેસીંગનું ખાતમુહૂર્ત લોકસભાના સાંસદ હરીભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અમદાવાદ ટોલ રોડના ટ્રાફિકના કારણે અમદાવા કે ગાંધીનગર જવા માટે આ રોડ વૈકલ્પિક માર્ગ છે. પરંતુ, છેલ્લા ઘણા વખતથી બિસ્માર હાલતમાં હતો. આ માર્ગનું નવીનીકરણ થતાં આ વિસ્તારના લાખો નાગરિકોને રાહત થશે.


આ ઉપરાંત જનપથ હોટલથી પાલાવાસણા, હેડુવા રાજગર અને બાયપાસ ચોકડી સુધી રૂ.29 કરોડના ખર્ચે નવીન સીસી રોડ મંજૂર કરવામાં આવ્યો છે.

જેનું ખાતમુહૂર્ત મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર અને સંગઠનના અધિકારીઓ દ્વારા બેચરાજી રોડ ઉપર આવેલ જય અંબે કોમ્પલેક્ષ આગળ સવારે 9.00 કલાકે કરવામાં આવશે. પાલાવાસણાથી હેડુવા રોડ ખુબ જ જર્જરીત થયો હતો. બુધવારે ખારી નદીના બ્રીજની કામગીરી માટે ડાયવર્ઝન અપાતાં મજબૂર થયેલ વાહન ચાલકો આ માર્ગથી પસાર થતાં તોબા પોકારી ગયા હતા. હવે, આ માર્ગ નવો બનતાં વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી અને ખાડામાંથી મુકિત મળશે.


  • Follow us on: