મહેસાણા જિલ્લામાંથી ખેડૂતોના હક પર તરાપ મારતું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ઉંઝા તાલુકાના ઉનાવા વિસ્તારમાં આવેલા 'શુભ શિવમ એસ્ટેટ'ના એક ગોડાઉન પર વહીવટી તંત્ર દ્વારા ઓચિંતી દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. સરકાર દ્વારા ખેડૂતોને ઓછી કિંમતે ખેતી માટે પૂરા પાડવામાં આવતા સબસીડીયુક્ત યુરિયા ખાતરનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે આ રેડ પાડવામાં આવી હતી, જેનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
રૂ. 7.31 લાખનો મુદ્દામાલ જપ્ત
તંત્ર દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં સામે આવ્યું છે કે ખેતી માટે ફાળવવામાં આવતા યુરિયા ખાતરનો બિનઅધિકૃત રીતે ઔદ્યોગિક (Industrial) વપરાશ કરવા માટે ખાનગી ગોડાઉનમાં સંગ્રહ કરાયો હતો. આટલું જ નહીં, ખાતરના અસલી પેકિંગ બદલીને તેનું ગેરકાયદેસર રિપેકીંગ કરવાનો કાળો કારોબાર અહીં ધમધમી રહ્યો હતો. ફૂડ અને ખેતીવાડી વિભાગની સંયુક્ત ટીમે સ્થળ પરથી કાર્યવાહી કરીને અંદાજે રૂ. 7,31,000 (સાત લાખ એકત્રીસ હજાર રૂપિયા) ની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની સીઝલિંગ પ્રક્રિયા હાથ ધરી છે.
