મહેસાણાના લાઘણજ ગામની એક મહિલાને લગ્નના 3 જ મહિનામાં સાસરિયાઓ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.
જ્યારે મહિલાની જાણ બહાર વિસનગરના તબીબ સાથે મળી સાસરિયાઓ એ તેનો ગર્ભપાત કરાવતા લાઘણજ પોલીસ મથકે ત્રાસ ગુજારી ગર્ભપાત કરાવનાર તેના પતિ કેતન પટેલ, સાસુ મીનાબેન, સસરા દિનેશભાઈ અને વિસનગરના તબીબ ડો.ભગુભાઈ એમ. ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લાઘણજ ગામના વતની અને હાલાં ગોજારીયા ખાતે આંટામાં રહેતા ફાલ્ગુનીબેન નાયીની ફરિયાદ મુજબ કુકરવાડના કેતન દિનેશભાઈ પટેલ સાથે માણસા ખાતે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
જે બાદ મહિલા તેની સાસરીમાં નાનાચિલોડા ખાતે રહેતા હતા. જ્યાં મહિલાના સાસુ અને સસરા તેમજ પતિ દ્વારા લગ્ન બાદ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરવામાં આવતી હતી. ત્યાં મહિલા પ્રેગ્નનેટ હોવાની જાણ થવા છતાં સાસરીમાં ત્રાસ મળતા તે પોતાના પિતાના ઘરે આવી રહેવા લાગી હતી. જેથી તેમના સાસરિયાઓએ તેના પિયરમાં આવી સારવાર કરાવવાના બહાને વિસનગરની શારદા મેટરનીટી એન્ડ નર્સિંગ હોમમાં ડો.ભગુભાઈ ચૌધરીને ત્યાં લઈ ગયા હતા. જ્યાં મહિલાની જાણ બહાર ગર્ભપાત કરાવતા મહિલાને ઘરે ગયા બાદ હાલત કથડી હતી. જેથી મહિલાએ માણસા ખાતે અન્ય હોસ્પિટલમાં સારવાર લેતા તેની જાણ બહાર તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.