મહેસાણા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી મુજબ 24 કલાકમાં જિલ્લામાં હળવો વરસાદ વરસ્યો હતો.
જેમાં વિજાપુર, બેચરાજી અને કડી પંથકમા અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઇ ત્રણેય તાલુકાના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ત્રણ તાલુકા ઉપરાંત વિસનગરમાં પણ 10 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો. ઊંઝા, મહેસાણા અને જોટાણામાં સામાન્ય ઝાપટા જોવા મળ્યા હતા.જિલ્લામાં વરસાદ પગલે નવરાત્રિમાં ગરબે ઘુમવા માગતા ખેલૈયાઓમાં ભારે નિરાશા વ્યાપી હતી.
સાયલામાં રવિવાર સાંજે પડેલા વરસાદને કારણે ગામની મુખ્ય ગરબીઓ સાથે તમામ શેરી,મહોલ્લામાં યોજાતા ગરબાના આયોજન પર પાણી ફેરવી દીધું હતું. રાધનપુરમાં રવિવારે મોડી સાંજે મીની વાવાઝોડું અને વરસાદના કારણે બસ સ્ટેશનમાં ઊભેલું વર્ષો જુનું વડનું ઝાડ દીવાલ પર ધરાશાયી થતાં બાજુમાં આવેલી કેબીનો દટાઈ હતી. રવિવારની રજા હોવાથી લોકોની અવરજવર ના હોવાથી સદનસીબે જાનહાનિ ટળી હતી. પડેલા વરસાદને કારણે નવરાત્રીમાં ગરબે ઘુમતા ખેલૈયાઓની મજા બગડી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે સાંજ થતા જ મેઘસવારી આવી પહોંચી હતી. મધરાત સુધીમાં જિલ્લાના 8 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ પાણી વરસાવ્યુ હતુ. સુરેન્દ્રનગર અને વઢવાણમાં સાંજે 6 થી રાત્રી સુધીમાં 28 મીમી નોંધાયો હતો. સુરેન્દ્રનગર શહેરમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. દસાડા અને લીંબડી તાલુકાને બાદ કરતા આઠ તાલુકાઓમાં 1 ઈંચથી દોઢ ઈંચ વરસાદ હતો. સાંજે 6 કલાક સુધી સાયલા, ચોટીલા, લીંબડી અને ચુડામાં વરસાદી ઝાપટાના વાવડ છે.