અરવલ્લીના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે એમ્બ્યુલન્સમાં આગ લાગવાથી ચાર લોકોના કરૂણ મોત થયાના મામલે વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. આ દુર્ઘટનામાં જે ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ સળગી ગઈ હતી તે અમદાવાદના ચાંદખેડા ખાતે આવેલી ઓરેન્જ હોસ્પિટલની હતી.
એમ્બ્યુલન્સમાં ફાયર એક્સટિંગ્યુશર નહોતું
તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ઇમર્જન્સી વ્હીકલ ગણાતી એમ્બ્યુલન્સમાં ફાયર સેફ્ટીના કોઈ સંસાધનો જ નહોતા! નિયમો મુજબ, કોઈપણ ઇમર્જન્સી વાહન (એમ્બ્યુલન્સ)માં આગ લાગવાની ઘટનાને નિયંત્રિત કરવા માટે ડ્રાય પાવડર ફાયર એક્સટિંગ્યુશર રાખવું ફરજિયાત છે.જોકે, દુર્ઘટનાગ્રસ્ત ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આ ફરજિયાત ફાયર એક્સટિંગ્યુશર જોવા મળ્યું નહોતું.જો એમ્બ્યુલન્સમાં ફાયર એક્સટિંગ્યુશર હાજર હોત, તો કદાચ આગ પર પ્રાથમિક તબક્કે જ કાબૂ મેળવી શકાયો હોત અને ચાર નિર્દોષ લોકોના જીવ બચાવી શકાયા હોત.
હોસ્પિટલ મેનેજમેન્ટ મૌન
એમ્બ્યુલન્સમાં આગ લાગવાથી ચાર લોકોના મોત નીપજ્યા બાદ, આ બેદરકારી અંગે ઓરેન્જ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ સમગ્ર મામલે મૌન ધારણ કરીને બેઠા છે. હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટના પ્રાથમિક કારણ સાથે ફાયર સેફ્ટીના સાધનોની ગેરહાજરીએ હોસ્પિટલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારીને છતી કરી છે. તંત્ર દ્વારા આ બેદરકારી બદલ હોસ્પિટલ સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.









