અરવલ્લી જિલ્લામાં શનિવાર સવારથી વરસાદી માહોલ છવાયો હતો. દરમ્યાન બપોર સુધીમાં મેઘરજ અને મોડાસા પંથકમાં ધોધમાર વરસાદ પડયો હતો. મેઘરજમાં માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મોડાસામાં પણ ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ તૂટી પડતાં ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ થયો હતો. જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. બીજી તરફ રવિવારે જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે સાથોસાથ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. મેઘરજ તાલુકામાં બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં 86 મી.મી વરસાદ તૂટી પડતાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. મોડાસા પંથકમાં બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં બે ઈંચ અને બે થી ચાર વાગ્યા સુધીમાં દોઢ ઈંચ વરસાદ થયો હતો. મોડાસા શહેરના ચાર રસ્તા, માર્કેટયાર્ડ વિસ્તાર, મેઘરજ રોડ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઢીંચણસમા પાણી ભરાઈ જતા નાગરિકોને હાલાકી ભોગવવી પડી હતી.
ચૂંટણી વચ્ચે આજે અતિભારે વરસાદની આગાહી










