અરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજી હાઈવે પર રાણાસૈયદ ચોકડી નજીક એક અત્યંત કરુણ અને ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ રસ્તા પર ચાલતી વખતે અચાનક આગની લપેટમાં આવી જતાં ચાર વ્યક્તિઓના જીવતા ભડથું થવાના કારણે મોત નીપજ્યાં છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં સન્નાટો ફેલાવી દીધો છે.


 એક દિવસના બાળકને અમદાવાદ લઈ જવાતું હતું

પ્રાપ્ત વિગતો મુજબ, મોડાસાની એક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં એક દિવસના નવજાત બાળકને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું. એમ્બ્યુલન્સમાં બાળક, ડૉક્ટર, નર્સ અને બાળકના સંબંધી સહિત કુલ છ લોકો સવાર હતા.

ડૉક્ટર, નર્સ, બાળક અને એક અન્ય વ્યક્તિ!

રાણાસૈયદ ચોકડી પાસે એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એમ્બ્યુલન્સના આગળના ભાગમાં બેઠેલા ચાલક અને બાળકના સંબંધી ગભરાહટ વચ્ચે સમયસર બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, એમ્બ્યુલન્સના પાછળના ભાગે બેઠેલા ચાર વ્યક્તિઓ - ડૉક્ટર, નર્સ, માસૂમ બાળક અને અન્ય એક વ્યક્તિ (સંભવતઃ બાળકના માતા-પિતામાંથી કોઈ એક) સમયસર બહાર નીકળી ન શકતાં આગની લપેટમાં આવી ગયા હતા. આ ભયાનક અકસ્માતમાં ચારેય લોકોના ઘટનાસ્થળે જ જીવતા ભડથું થવાના કારણે કરૂણ મોત નીપજ્યાં હતાં. આગ એટલી ભીષણ હતી કે આંખના પલકારામાં આખી એમ્બ્યુલન્સ બળીને ખાખ થઈ ગઈ હતી.

 CCTV ફૂટેજ આવ્યા સામે

આ ગમખ્વાર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં રસ્તા પર ચાલતી એમ્બ્યુલન્સ અચાનક સળગવા લાગે છે અને ભીષણ આગના ગોળામાં ફેરવાઈ જાય છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનામાં પરિવાર અને હોસ્પિટલ સ્ટાફ પર આભ તૂટી પડ્યું છે.

જિલ્લા કલેકટર પોતે ઘટનાસ્થળે દોડી ગયા

અરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજી હાઈવે પર રાણાસૈયદ ચોકડી પાસે ખાનગી એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગવાની અને ચાર લોકોના કરૂણ મોત થવાની ઘટના બાદ સમગ્ર જિલ્લામાં શોકની લાગણી છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં અરવલ્લી જિલ્લા કલેકટર પોતે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

 ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટનું પ્રાથમિક કારણ

ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ જિલ્લા કલેક્ટરે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ એમ્બ્યુલન્સમાં રહેલો ઓક્સિજન સિલિન્ડર ફાટવાનું હોઈ શકે છે. જોકે, આગ લાગવાના ચોક્કસ કારણની જાણકારી ફોરેન્સિક તપાસ બાદ જ સ્પષ્ટ થશે.કલેક્ટરે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને બચી ગયેલા લોકોની વિગતો પણ આપી હતી. મોડાસાની ખાનગી હોસ્પિટલમાંથી એક દિવસના નવજાત બાળકને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.

  • Follow us on: