છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા વરસાદને કારણે કફોડી સ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદના બાવળામાં અનેક વિસ્તારોમાં હજી સુધી વરસાદી પાણી ઓસર્યા નથી. અનેક સોસાયટીઓમાં કમરથી ઉપર સુઘી ભરાઈ ગયેલા પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. બાવળા નગરપાલિકામાં લોકોએ હોબાળો કરતાં અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. લોકોએ રડમસ અવાજે પોતાની વ્યથા ઠાલવી હતી.
પાણીની સમસ્યાને કારણે લોકોએ ધરણા કર્યા હતાં
બાવળાના સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, અમારા વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી હજી સુધી ઓસર્યા નથી. નગરપાલિકાના અધિકારીઓ સાંભળતા નથી અને ધારાસભ્ય કોઈ જવાબ આપતા નથી. ચાર દિવસથી પાણી ભરાઈ ગયાં છે પણ કોઈ ધ્યાન આપનારૂ નથી. વિરોધ કરવા આવેલી મહિલાઓની આંખમાં લાચારી અને આંસુ જોવા મળ્યા હતાં. લોકોનો રોષ જોઈને અધિકારીઓ ગાયબ થઈ ગયા હતાં. બીજી તરફ લોકોએ મામલતદારનો પણ વિરોધ કર્યો હતો. પાણીના નિકાલની માગ કરી હતી. પાણીની સમસ્યાને કારણે લોકોએ ધરણા કર્યા હતાં.
મહિલાઓએ નગરપાલિકામાં જઈને હાય હાયના સુત્રોચ્ચાર કર્યા
સ્થાનિકોનો રોષ જોઈને બાવળા નગર પાલિકાના અધિકારીઓ ગાયબ થઈ ગયા હતાં. સંકટ સમયે લોકોને રઝળતા મુકીને અધિકારીઓ ગાયબ થઈ ગયા હતાં. લોકોના ઘરમાં અને રસ્તામાં પાણી ભરાઈ જતાં કફોડી સ્થિતિ જોવા મળી છે. લોકોએ ભારે વિરોધ કર્યો છતાંય અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી નથી. તંત્રના પાપે લોકો હેરાન થઈ ગયાં છે. મહિલાઓએ નગરપાલિકામાં જઈને હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતાં.
ઈન્ડસ્ટ્રીયલ પાર્ક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો
બાવળા હાઈવે પર આવેલો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં નોકરિયાતોને હાલાકી ભોગવવી પડી છે. વરસાદ બંધ થયો હોવા છતાં વરસાદી પાણી હજી ઓસર્યા નથી. લોકો ટ્રેક્ટરમાં બેસીને નોકરીએ જવા મજબૂર બન્યાં છે. ચાંગોદર બાવળાનો સર્વિસ રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિકોનો રોષ અને વિરોધ જોઈને અધિકારીઓ ગાયબ થઈ જતાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.









