અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે, સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે અને વોક વે પાણીમાં ગરકાવ થયો છે, ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવક વધી છે, પાણીના જળસ્તરમાં વધારો થતા વોક વે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, વોક વે પર સિક્યુરીટી પણ વધારવામાં આવી છે, વોક વે પરથી મુલાકાતીઓને દૂર કરાયા અને વાસણા બેરેજના 24 ગેટ ખોલવામાં આવ્યા છે.
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટના વોક વે પર પાણી ફરી વળ્યા
અમદાવાદની સાબરમતી નદી પર બંધાયેલ રિવરફ્રન્ટના વોક વે પર પાણી ફરી વળ્યા છે, સાથે સાથે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, ગાંધીનગરના સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે, સાબરમતી નદીમાં 60 હજાર કયુસેક પાણીની આવક નોંધાઈ છે, ધોધમાર વરસાદના કારણે નદી બે કાંઠે વહી રહી છે, ગુજરાતમાં સાબરમતી નદીમાં પાણી આવતા લોકોમાં હાશકારો અનુભવાયો છે. મહત્વનું છે કે, ગઇકાલે ધરોઇ ડેમમાં પાણીના જળસ્તરમાં વધારો નોંધાયો હતો, જેના કારણે 4 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યુ હતુ.
ગુજરાતમાં 17 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત અન્ય 17 જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ખાસ કરીને 25મી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે.









