અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, અમદાવાદના પૂર્વ વિસ્તાર હાટકેશ્વરમાં પણ વરસાદી પાણી ભરાયા છે, ખોખરા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, તો કેટલાક વિસ્તારમાં પાણી ઘરોમાં ઘૂસ્યા હોવાની વાત સામે આવી છે, પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે અને કોર્પોરેશનને અનેક રજૂઆતો છતાં સ્થિતિ ઠેરની ઠેર છે.
અમદાવાદમાં ભ્રષ્ટાચારનો વધુ એક બ્રિજ ધોવાયો
અમદાવાદમાં ભ્રષ્ટાચારનો વધુ એક બ્રિજ ધોવાયો છે, અસલાલીમાં નેશનલ હાઇવે પરનો બ્રિજ ધોવાયો હોવાથી સર્વિસ રોડ બંધ કરાયો છે, વરસાદનું પાણી બ્રિજની દિવાલમાંથી વહેતું થયું છે, અસલાલી બ્રીજ અને સર્વિસ રોડ બંધ કરાયો છે, વાહનચાલકો અસલાલી ગામમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ અસલાલી ગામમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે.
અમદાવાદનો પૂર્વ વિસ્તાર પાણી પાણી
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ઉઠી છે, શાહવાડી, નારોલ વિસ્તારમાં પાણી ભરાયા છે, પૂર્વ વિસ્તારમાં સોસાયટી અને ઘરોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે, પાણી ભરાતા શહેરીજનોને હાલાકી પડી રહી છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, વસ્ત્રાપુર ,શિવરંજીની, બોડકદેવમાં ભારે વરસાદ થતા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, વસ્ત્રાપુરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદ શેહરમાં ધોધમાર વરસાદ
અમદાવાદમાં ભારે વરસાદથી વાસણા બેરેજમાં પાણીની આવક વધી છે, વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા છે અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, 4 દરવાજા 2 ફૂટ, 3 દરવાજા 2.5 ફૂટ ખોલાયા છે, હાલ વાસણા બેરેજનું જળ લેવલ 127.5 ફૂટ પર પહોંચ્યું છે.









