અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો છે જેના કારણે ગામોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, દસક્રોઇના ભાત ગામમાં પાણી પાણી થઈ ગયું છે, ભાત ગામથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યું છે જેમાં જોઈ શકાય છે કે, સમગ્ર ગામમા જાણે જળબંબાકારની સ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે, લોકોને ઘરની બહાર જઉં હોય તો ટ્રેકટરનો સહારો લેવો પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.
વરસાદને કારણે ભાત ગામની સ્થિતિ કથળી
અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર ભાતમાં ગામની સ્થિતિ કથળી છે, મંદિરથી લઈને શાળામાં પાણી ફરી વળતા જનજીવન પર તેની માઠી અસર જોવા મળી છે, ભાત ગામમાં 8000 જેટલી વસ્તી છે અને પાણી ભરાવાથી લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે, ભાત ગામ જાણે દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે, ત્યારે ધારાસભ્ય અને તંત્રને જાણે ગામમાંથી પાણી કાઢવમાં કોઈ રસ જ ના હોય તેવું લાગી રહ્યું છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર ચોમાસામાં ગામમાં પાણી ભરાઈ જાય છે.
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં 10.12 ઈંચ વરસાદ નોંધાયો છે
અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે, ફકત ભાત ગામ જ નહી પરંતુ આસપાસના ગામોમાં પણ આ જ સ્થિતિનું નિર્માણ થયું છે, ગામમાં પાણી ફરી વળતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થયું છે, સાથે સાથે લોકોના ઘરમાં પણ પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, ધોળકા રોડ પર પણ ભરાયા છે વરસાદી પાણી તો બીજી તરફ ભાતથી બદરખા જવાનો રસ્તો જળમગ્ન થયો છે, ધોળકા જવાના મુખ્ય માર્ગ પર કેડસમા પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર થઈ છે.
અમદાવાદનું બદરખા ગામ જળમગ્ન
બદરખા ગામનું તળાવ થયું ઓવરફ્લો અને તળાવ ઓવરફ્લો થતા ગામમાં ફરી વળ્યા પાણી, મહામુસીબતે લોકો ઘરોની બહાર નીકળી રહ્યાં છે, બદરખા ગામના રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, લોકોના ખેતરોમાં પાણી ફળી વળતા નુકસાન થયું હોવાની વાત સામે આવી છે.









