અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદના કારણે શહેરનો વટવા વિસ્તાર જળમગ્ન થયો. આજે ચાર ઇંચ વરસાદમાં વટવાના વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા. ભારે વરસાદથી મહાલક્ષ્મી તળાવ ઓવરફ્લો થતા સોસાયટીઓ અને માર્ગો પાણીમાં ગરકાવ થયા.
4 ઇંચ વરસાદમાં વટવા જળબંબાકાર
શહેરમાં શનિવાર રાતથી વરસાદે ધબડાટી બોલાવી છે. બે દિવસથી મુશળધાર વરસાદના કારણે શહેરમાં જાણે સાબરમતી નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદી પાણી ભરાતા વટવા વિસ્તારના રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે વટવા વિસ્તારની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ. મોંઘી ગાડીઓ પાણીમાં તરવા લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. માર્ગો પરથી પસાર થતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
મોનસૂન એકશન પ્લાનના ઉડયા ધજાગરા
આજે વહેલી સવારથી મુશળધાર વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે. વટવામાં ભારે વરસાદના કારણે કેડસમા પાણી ભરાઈ જતા પોતાના રોજિંદાકામ કરવા માટે લોકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. વરસાદી પાણી દુકાનો અને ઘરોમાં ઘુસતા ઘરવખરી અને માલસામાનને નુકસાન થયું. જયારે બજારની કેટલીક દુકાનો આજે મુશળધાર વરસાદના કારણે બંધ રાખવામાં આવી. આ વિસ્તારની શાળાઓમાં પણ આજે બાળકોની પાંખી હાજરી જોવા મળી.વટવા વિસ્તારના સામે આવેલા દ્રશ્યો વિકાસના દાવા પોકળ સાબિત થયા હોવાનું સૂચવે છે. 4 ઇંચ વરસાદે AMCના મોનસૂન એકશન પ્લાનના ધજાગરા ઉડાડયા.
ચેરેમેનનું કામગીરીનું આશ્વાસન
સંદેશ ન્યૂઝના રીપોર્ટમાં તંત્રની મોનસૂન કામગીરીની પોલ ખુલી. શહેરમાં મુશળધાર વરસાદમાં વટવાની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ. આ વિસ્તારના સ્થાનિકોમાં વરસાદી પાણી ભરાવાને લઈને રોષ જોવા મળ્યો. વરસાદના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ વરસાદના ભરાતા પાણી મુદ્દે નિવેદન આપતા કહ્યું કે થોડી તકલીફ તો રહેશે. જો કે અમે પાણીનો નિકાલ લાવવા કામગીરી કરી રહ્યા છીએ.









