ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ છે અને શિયાળાનું આગમન થઈ રહ્યું છે. દિવાળીના દિવસોમાં પણ માવઠાએ મુશ્કેલી વધારી છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં માવઠુ થવાની આગાહી કરી છે. આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ લઘુતમ તાપમાનમાં ઘટાડાની પણ શક્યતાઓ છે.

રાજ્યમાં માવઠા અંગે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ ગાજવીજ સાથે રાજ્યમા હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં વાદળ છાયુ વાતાવરણ રહેશે. જ્યારે રાજ્યમાં ચાર દિવસમાં લઘુતમ તાપમાનમાં પણ બે ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતાઓ છે.દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે.

દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, 25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં માવઠાની શક્યતા રહેલી છે, અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસર્બન્સથી વરસાદી માહોલ રહેવાની શકયતાઓ છે.