અમદાવાદમાં ચોમાસાના આરંભે સારો વરસાદ રહ્યો. રાજ્યભરમાં વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓ જળબંબાકાર થયા. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો. છતાં સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં રોડ અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા. અન્ડર બ્રિજના રોડ જળમગ્ન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


બોપલના રહીશોને હાલાકી

શહેરમાં ગુરુકુળથી ભૂયંગદેવ સુધીના રોડ પર વરસાદના કારણે ખાડ અને ગાબડાં જોવા મળ્યા. જ્યારે બોપલમાં પણ કેડસમા પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદના પાણીના કારણે વિસ્તારો જળબંબાકાર થઈ રહ્યા છે અને તેની સાથે ગટરોના પાણી પણ ઉભરાયા. ગટરના પાણીના કારણે દુર્ગંધ વાળા આ રસ્તા પરથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે. શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ચારેકોર ગટરના પાણી ઉભરાતા જોવા મળ્યા.

પ્રિ-મોન્સૂનના દાવાઓમાં કેટલો દમ

સામાન્ય રીતે નરોડા અને નિકોલ જેવા વિસ્તારોમાં ચોમાસ દરમિયાન આવી સ્થિતિ જોવા મળતી હતી. જ્યારે હાલમાં શહેરના પોશ વિસ્તાર કહેવાતા સાઉથ બોપલ અને સેટેલાઈટ તેમજ ગુરુકુળ જેવા વિસ્તારો વરસાદી પાણી ભરાતા રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં સામાન્ય વરસાદે જ તંત્રની પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખોલી. શહેરનો આખો રોડ પાણીમાં ગરકાવ થયો. તંત્રના પ્રિ-મોન્સૂનના દાવાઓમાં કેટલો દમ ?

અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત, નવસારી, ડાંગ, વલસાડ, મહિસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, જૂનાગઢમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, દરિયાઇ કાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું જોર રહેતા માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદનું જોર જોવા મળ્યું. આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોને મેઘરાજા ઘમરોળશે.

  • Follow us on: