અમરેલીમાં વરસાદે રમઝટ બોલાવી છે. અમરેલી શહેર સહિત મોટા ભાગના તાલુકામાં આજે પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અમરેલીના બાબરા શહેર તેમજ તાલુકાની સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વરસાદના કારણે ગામ, શહેર અને રસ્તાઓ જળબંબાકાર થયા. બાબરા તાલુકાના ચરખા, ખાખરીયા, ગળ, કોટડી, ચમારડી સહિતના ગામડાઓમાં ભારે વરસાદનું જોર જોવા મળ્યું. વરસાદી પાણી ગામમાં ફરી વળતાં ગ્રામજનોને જનજીવન ખોરવાયું.
કાળુભાર નદી બે કાંઠે થઈ
વરસાદના કારણે રસ્તાઓ પર ખાડા રાજ જોવા મળ્યું. તેમજ રસ્તા પરની ગટરો ખુલ્લી હોવાની ઘટનાઓ સામે આવતા વરસાદી આફતમાં લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવાને લઈને ચિંતિત થયા છે. સતત વરસતા વરસાદના કારણે બાબરાની કાળુભાર નદી બે કાંઠે થઈ. કાડુભાર નદીમાં પાણીની આવક વધતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે.
કાળુભાર નદીમાં ઘોડાપૂર
જણાવી દઈએ કે અગાઉ ભારે વરસાદના કારણે કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ કાળુભાર નદી અમરેલી જિલ્લાના બાબરા પાસેના ચરખા ગામ પાસેથી નીકળી ભાવનગર જિલ્લાના ચમારડી પાસેથી ભાલ વિસ્તાર માં પ્રવેશે છે એટલે જો હાલમાં આ નદીના જળસ્તરમાં વધુ વધારો થાય તો ફરી ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
આગામી 5 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લીમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદનું જોર રહેશે. જૂન મહિનાના અંતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. જિલ્લા બહાર અવર-જવર કરતા લોકોએ પોતાના મહત્વના કામોને આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. બહાર નીકળ્યા બાદ કયાંક ધોધમાર વરસાદ થવાના કારણે પાણીમાં ફસાઈ જવાની નોબત આવી શકે છે. જૂન મહિનાના અંત બાદ અરવલ્લીમાં વરસાદનું જોર ઘટશે.









