બનાસકાંઠાના થરાદમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, થરાદ સાંચોર હાઈવે ઉપર સર્વિસ રોડ પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, માંગરોળ 3 રસ્તા નજીક સર્વિસ રોડ પર પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, પાણી ભરાતા વાહનચાલકો અને વિદ્યાર્થીઓ અટવાયા છે.
ભારત માલા હાઇવેના બ્રિજ નીચે ભરાયું વરસાદી પાણી
બનાસકાંઠાથી પસાર થતા ભારત માલા હાઇવેના બ્રિજ નીચે પણ વરસાદી પાણી ભરાયું છે, વધુ પાણી ભરાવાના કારણે વાહનચાલકો પરેશાન થયા છે, અમુક ટુ વ્હીલર પાણીમાં બંધ પડી ગયા છે, સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો તેમજ સ્કૂલે જતા બાળકો અટવાયા છે, હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા છે.
2 ઇંચમાં પાલનપુર અમદાવાદ હાઈવે પાણી પાણી
2 ઇંચમાં પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા છે, ગઠામણ પાટીયા નજીક ઢીંચણસમા પાણી ભરાયા છે જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે, એકથી દોઢ કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી છે.
બનાસકાંઠાના દાંતામાં ધોધમાર વરસાદ
દાંતાની રેફરલ હોસ્પિટલ બેટમાં ફેરવાઈ છે, રેફરલ હોસ્પિટલના કંપાઉન્ડમાં પાણી ભરાયા છે, મામલતદારે રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી અને હોસ્પિટલમાં દાખલ લોકોના અંતર ખબર પૂછ્યા છે, નવીન હોસ્પિટલનું કામ ચાલુ ન કરતા દર્દીઓને હાલાકી પડી રહી છે અને દર્દીઓના સગાઓને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ
સૌથી વધુ કડાણા તાલુકામાં 2.8 ઇંચ વરસાદ, પાલનપુરમાં 2.2 ઇંચ, વાંસદામાં 1.4 ઇંચ, લુણાવાડામાં 1.4 ઇંચ, દાંતામાં 1.1 ઇંચ વરસાદ ખાબકયો છે, અન્ય તાલુકાઓમાં અડધોથી પોણો ઇંચ વરસાદ ખાબકયો છે.









