ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદે તબાહી મચાવી છે. છોટાઉદેપુરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. નસવાડીમાં વરસાદી પાણી ભરાતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નસવાડીમાં ધોધમાર વરસાદના કારણે શાળા અને મકાનોમાં પાણી ઘૂસી ગયા.
શાળાના કંપાઉન્ડમાં ભરાયા પાણી
નસવાડીમાં ધોધમાર વરસાદ પડતા કન્યા શાળાના કંપાઉન્ડમાં પાણી ભરાઈ ગયા. નસવાડીની એસબી સોલંકી વિદ્યા મંદિરમાં વરસાદી પાણી ભરાતા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની સલામતીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. વરસાદ અવિરત ચાલુ હોવાથી કન્યા શાળામાં ભરાયેલ પાણીનો નિકાલ ના થતા આખરે શાળા સંચાલકોએ સ્કૂલમાં રજા જાહેર કરી. ચોમાસાના પ્રારંભથી જ વરસાદનું રાજ્યમાં ભારે જોવા મળ્યું છે. અનેક સ્થાનો પર ગાજવીજ સાથે વરસાદ તો કયાંક વાવાઝોડા સાથે વરસાદને પગલે જીનજીવન અસ્તવ્યસ્ત થયું.
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગે આજે નાઉકાસ્ટ જાહેર કર્યુ છે. આજે રાજ્યમાં ભરુચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે વલસાડ, ડાંગ, નવસારી, તાપી, નર્મદા,છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ,દાહોદ, આણંદ,ખેડા, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા, પોરબંદર,જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરિયાકાંઠામાં ધોધમાર વરસાદેન પગલે માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.
સ્થિતિ પર તંત્રની નજર
વરસાદની સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે અને આ મામલે રાજ્યની શાળાઓને પણ સ્થિતિ મુજબ નિર્ણય લેવાની છૂટ આપી હતી. ચોમાસામાં વરસાદને લઈને તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી કે શાળાઓ વરસાદી માહોલમાં તેમના વિસ્તારની સ્થિતિ મુજબ નિર્ણય લઈ શકે છે. અને એટલે જ આજે નસવાડીની શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા આજે સ્કૂલ બંધ રાખવામાં આવી હતી.









