રાજ્યભરમાં હાલમાં વરસાદી માહોલ જામ્યો છે અને અનેક હિલ સ્ટેશન પર આહલાદ્ક નજારો જોવા મળી રહ્યો છે, બીજી તરફ દરિયાઈ વિસ્તારોમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ દરિયા તોફાની બન્યો છે અને દરિયામાં ખુબ જ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જેના કારણે દરિયાકિનારે આહલાદ્ક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દરિયામાં તોતિંગ ઉછળી રહેલા મોજા જોઈને પ્રવાસીઓ આનંદ માણી રહ્યા છે.


[[$googlead]]

દમણના નમો પથ પર પાણી ફરી વળ્યું

બીજી તરફ કોઈ પણ પ્રકારનો અણબનાવ દરિયાકિનારે ના બને તેના માટે તંત્ર પણ એલર્ટ મોડ પર છે. પ્રવાસીઓને દરિયા કિનારાની નજીક ના જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. દમણના દરિયામાં એટલા મોટા મોજા ઉછળી રહ્યા છે કે નમો પથ પર પણ પાણી ફરી વળ્યું છે. આશરે 7-10 ફૂટ ઉંચા મોજા દરિયામાં ઉછળી રહ્યા છે. ગઈકાલે દમણના કેવળી ફળિયામાં 2 બાળકીઓ પાણીમાં તણાઈ હતી. નાળા પાસે રમતી વખતે બંને બાળકીઓ તણાઈ હતી. જેમાં એક બાળકીનું ડૂબી જવાથી મોત થયું છે અને એક બાળકીને બચાવી લેવામાં આવી છે. બંને બાળકી નાળામાં તણાતી દેખાઈ હતી.

[[$alsoread]]

ગઈકાલે સંઘપ્રદેશ દમણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

તમને જણાવી દઈએ કે ગઈકાલે સંઘપ્રદેશ દમણમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો હતો. દમણમાં પાલિકા વિસ્તાર સહિત પંચાયત વિસ્તારમાં નવી બનેલી ગટર લાઈનમાં રસ્તા પરથી વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણીનો ભરાવો થયો હતો. પાલિકા દ્વારા પણ અમુક વિસ્તારમા પ્રિમોન્સુનની કામગીરી સમયસર પૂર્ણ ન થતાં મોટાભાગની શેરીઓના રસ્તા પર પાણી ફરી વળતા રહીશોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ મધુબન ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ઝરી કોઝવેનો જુનો પુલ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. દમણમાં દિવસ દરમિયાન 2.51 ઈંચ જેટલો વરસાદ વરસવા પામ્યો હતો.


  • Follow us on: