રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 51.16 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 58.46 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા, પૂર્વ મધ્યમાં 49.39 ટકા, સૌરાષ્ટ્રમાં 49.36 ટકા અને ઉત્તર ગુજરાતમાં 48.02 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.છેલ્લા 24 કલાકમાં દાહોદ,પંચમહાલ, નર્મદા અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં થયેલા વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની સારા પ્રમાણમાં આવક થઈ છે. તે ઉપરાંત રાજ્યના 206 જળાશયોમાં પણ જળસ્તરમાં વધારો થયો છે.
સરોવર ડેમમાં હાલ 54.90 ટકા જેટલો જળસંગ્રહ
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 54.90 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.જેમાં હાલ પાણીનો સંગ્રહ 183404 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. તેમજ રાજ્યના અન્ય 206 જળાશયોમાં 332380 એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહાયું છે.જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.55 ટકા જેટલું છે.રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે 206 ડેમો પૈકી કુલ 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. 41 ડેમને હાઈ એલર્ટ, 21 ડેમને એલર્ટ તથા 23 ડેમને વોર્નીંગ આપવામાં આવી છે.
કચ્છના પાંચ ડેમ અને સૌરાષ્ટ્રના 15 ડેમમાં છલોછલ પાણી ભરાયું
રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 60 ડેમ 70 ટકાથી 100 ટકા, 37 ડેમ 50 ટકાથી 70 ટકા તથા 43 ડેમ 25 ટકાથી 50 ટકા જેટલા ભરાયા છે.ઝોન પ્રમાણે જોઈએ તો, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 51.43, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 65.10, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 58.76, કચ્છના 20 ડેમમાં 55.44 અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 63.56 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના બે ડેમ, દક્ષિણ ગુજરાતના ચાર ડેમ, કચ્છના પાંચ ડેમ અને સૌરાષ્ટ્રના 15 ડેમમાં છલોછલ પાણી ભરાયું છે.