ચાલુ વર્ષે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઈ ગયું છે, રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. ચોમાસાનું આ વખતે સમયસર આગમન થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 21 ટકા વરસાદ વરસ્યો છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ જાણકારી આપી છે. વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ચોમાસામાં ચાલુ સિઝનમાં 32 વ્યક્તિઓના મોત થયા છે. રાજ્યના દરેક તાલુકામાં વરસાદ વરસ્યો છે.
સુરત જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાક દરમિયાન સુરત શહેરમાં રાજ્યનો સૌથી વધુ 13 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સમગ્ર સુરત જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં 11 ઈંચ અને પલસાણા તાલુકામાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વધુમાં, ગત 24 કલાકમાં સુરતના બારડોલી અને નર્મદાના તિલકવાડા તાલુકામાં 6 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના ડોલવણ, આણંદના બોરસદ અને સુરતના ઓલપાડ તાલુકામાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તદુપરાંત સુરતના ચોર્યાસી તાલુકામાં 4 ઈંચથી વધુ તેમજ તાપીના વ્યારા, સુરતના માંડવી અને માંગરોળ, આણંદના ખંભાત, પંચમહાલના હાલોલ તાલુકા ઉપરાંત નવસારી તથા ભરૂચ તાલુકામાં 3-3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
29 જળાશયો 70થી 100 ટકા વચ્ચે ભરાયા
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબુરી, જામગનર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયા છે જેથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 29 જળાશયો 70થી 100 ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે તેમ, જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. ગત વર્ષે તેમજ ચાલુ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 45.01 ટકા જળ સંગ્રહ ઉપલબદ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 50.15 ટકા પાણી સંગ્રહાયેલુ છે. ગત વર્ષે આ સમયે એટલે કે, 23 જૂન 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 38.26 ટકા જળ સંગ્રહ હતો.









