જૂનાગઢમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે જેમાં છેલ્લા 24 કલાકમાં ગિરનાર પર્વત પર 5 ઈંચ વરસાદ નોંધાયો છે, ધોધમાર વરસાદથી જંગલમાં ઝરણા વહેતા થયા હોવાની વાત સામે આવી છે, તો જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ સતત ઓવરફ્લો થયો છે અને જૂનાગઢની નદી નાળાઓમાં નવા વરસાદી નીર આવ્યા છે.
ગિરનાર અને દાતાર પર્વતે લીલીછમ ચાદર ઓઢી
નયનરમ્ય નજારો જોવા ડેમ પર લોકોનો ધસારો જોવા મળ્યો છે, ગિરનાર અને દાતાર પર્વતે લીલીછમ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, સાથે સાથે પર્વત પર ધુમ્મસ પણ જોવા મળ્યું છે. ખાસ કરીને ચોમાસાના સમય દરમિયાન ગીરનાર પર્વત પર નયનરમ્ય દ્રશ્યો સર્જાતા હોય છે, પ્રવાસીઓ પણ ગિરનાર પર્વતની ચોમાસાના સમયે મુલાકાત લેતા હોય છે.
છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં, એટલે ગઈકાલે શનિવારે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સાબરકાંઠાના તલોદમાં 2 ઇંચ, કચ્છના માંડવીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત 10 તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો.









