દ્વારકામાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. સતત બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે નદી નાળા છલકાય ગયા છે. દ્વારકામાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ભગવાન દ્વારકાધીશના શિખર પર મેઘવર્ષા થતા ભકતોમાં પણ ખુશીનો માહોલ છે, મંદિરની સીડીઓ પરથી પાણી વહેતા થયા છે અને નયન રમ્ય દ્વશ્યો સર્જાયા છે.
દ્વારકામાં ધોધમાર વરસાદ
કલ્યાણપુર પંથકના મેઘપર ટીટોડી ગામે ધોધમાર વરસાદના કારણે કુંતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કુંતી નદી બે કાંઠે વહેતી થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. માર્ગ પર નદીના પાણી ફરી વળતાં લાકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામને જોડતા માર્ગો પર પાણી ફરી વળ્યા છે. કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ થયા છે. કલ્યાણપુર તાલુકાના રાવલ, ટંકારીયા, ચુર, ચપ્પર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને પગલે ખેતરો પાણીથી તરબોળ થયા છે.
ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
કલ્યાણપુરના ભાટિયાની આસપાસ વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ભાટિયા ગામ બહારના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભાટિયા આસપાસ વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભાટિયા ગામથી ભોગાત ગામ તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. દ્વારકામાં બે દિવસથી પડી રહેલા વરસાદના પગલે વહીવટી તંત્ર ખડે પગે છે. જૂન મહિનાથી જ દ્વારકા મામલતદાર કચેરીએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યું છે. દ્વારકા શહેરમાં નગરપાલિકા તેમજ ફાયર ટિમ ખડેપગે રાખવામાં આવી છે. દ્વારકા ગ્રામ્ય વિસ્તારોમા દરેક ગામના તલાટી મંત્રી અને સરપંચ સાથે સંકલન કરી તંત્ર સતત સંપર્કમાં છે. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે દ્વારકા તરવૈયાની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.









