ખેડા જિલ્લાના પથાપુરા ગામમાં ફરી એકવાર ચોમાસાની ઋતુમાં સાબરમતી નદીના પાણી ઘુસી આવતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. છેલ્લા 24 કલાકથી આખું ગામ પાણીમાં ગરકાવ છે. જેના કારણે ગામલોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં હાલાકી પડી રહી છે. ગામલોકો છત પર રહેવા મજબૂર બન્યા છે, કારણ કે પાણીનો પ્રવાહ એટલો બધો છે કે ઘરોમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ છે. ખેતીના કામ માટે જવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામજનો ચિંતાતુર છે.


[[$googlead]]

ખેડૂતોના પાકને મોટું નુકસાન

પથાપુરા ગામના સરપંચ અજીતસિંહ વાઘેલાએ આ પરિસ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, આ સમસ્યા દર વર્ષે ઊભી થાય છે. 'એકસાથે આટલું પાણી ન છોડવું જોઈએ,' એમ કહીને તેમણે તંત્ર પર નારાજગી વ્યક્ત કરી. તેમના જણાવ્યા મુજબ, ગામની આશરે 10 હજાર વિઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે ડાંગરનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. આને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે.

[[$alsoread]]

સ્થાનિકોની કાયમી ઉકેલની માંગ

સરપંચે વધુમાં જણાવ્યું કે, આ સમસ્યાના કાયમી ઉકેલ માટે 2021 માં પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. તેમણે સરકારને પથાપુરાથી કલોલી સુધી પાળો બાંધવા માટે વિનંતી કરી છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. ગામલોકોની એક જ માંગ છે કે તંત્ર આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ વહેલી તકે કોઈ નક્કર પગલાં ભરે, જેથી તેઓ દર વર્ષે થતી હાલાકીમાંથી મુક્તિ મેળવી શકે.


  • Follow us on: