મહેસાણાના ખેરાલુમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે. ધોધમાર વરસાદના પગલે દેસાઈ વાડા પાસે હાઈવે પર પાણી ભરાયા છે. ખેરાલુ અને આસપાસના વિસ્તારો ડભાડ, ડાવોલ, ડાલીસણા, ચાણસોલ, ગઠામણ,અંબાવાડામાં વરસાદ પડ્યો છે. ખેરાલુ શહેરમાં સવારથી બપોર સુધી 1 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે શહેરના માર્ગો પર પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ખેરાલુમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા
ખેરાલુમાં ગઈ કાલ સાંજથી અત્યાર સુધી 3 ઈંચ થી વધુ વરસાદ વરસ્યો છે. મહેસાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાધનપુર રોડ તે લઈને ગોપીનાળા સુધી રોડ બેટમાં ફેરવાયો છે. સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શહેરની સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ,મોરબી, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.









