ગુજરાતમાં આજે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. કચ્છમાં ભારે વરસાદને કારણે મેવાસાનો ડેમ તૂટ્યો છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી વહેતુ થયું છે. જેના કારણે ગાગોદર નદીની આસપાસ રહેતા લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે. ડેમમાંથી વહેતા પાણીનો પ્રવાહ ખૂબજ ભયાનક હોવાથી લોકોને સ્થળ છોડી દેવા સૂચના અપાઈ છે.

અંજારને ટપ્પર ડેમ એવરફલો થયો

કચ્છમાં ભારે વરસાદને કારણે અંજારને ટપ્પર ડેમ એવરફલો થયો છે. ટપ્પર ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યાં છે. પાણી છોડાતા નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત સામખિયાળીમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. સામખિયાળી ટોલ અને પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભુજના હમીરસર તળાવમાં નવા નીર આવતાં તળાવની આસપાસ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હમીરસર તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

રાપરમાં 20 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

કચ્છના રાપરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી 20 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. માનગઢ ગામના શેલ્ટર હોમમાં લોકોનું સ્થળાંતર કરાયું છે. વરસાદને કારણે ચિત્રોડ, રાપર અને બાલાસર હાઈવે બંધ કરી દેવાયો છે. પૂર્વ કચ્છમાં 56 વીજપોલને નુકસાન પહોંચ્યું છે. જ્યારે 134 ફીડરોને અસર પહોંચી છે. 30 કરતા વધુ ગામોમાં વીજપુરવઠો પ્રભાવિત થયો છે. ભારે વરસાદને કારણે રોડ ધોવાઈ ગયાં છે. અબડાસાના બીચાથી નખત્રાણાનો રોડ બંધ થઈ ગયો છે. ભારે વરસાદના પગલે ડાયવર્ઝન ધોવાઈ જતાં વાહન વ્હવહાર બંધ કરી દેવાયો છે.