અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદ વરસ્યો છે, વરસાદ બાદ સોસાયટીઓમાંથી ઓસર્યા પાણી અને રાત્રીના સમયે સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે, લોકોના ઘરમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે, રાત્રે 6 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે, તો મોડાસામાં જળબંબાકાર જેવી સ્થિતિનું સર્જન થયું છે.
અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ સામે આવી છે, મોડાસા શહેરમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે, ધનસુરા, બાયડ, માલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, મોડાસામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, ભારે વરસાદથી લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે, જિલાનીપાર્ક, અમન પાર્ક સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે.
માલપુર-ગોધરા સ્ટેટ હાઈવે પર ઢીંચણસમાં પાણી ભરાયા
માલપુર-ગોધરા સ્ટેટ હાઈવે પર ભારે વરસાદને કારણે ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસી રહેલા વરસાદને પગલે માલપુર બસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેથી મુસાફરોને મુશ્કેલી પડી હતી. હાઈવે અને બસ સ્ટેશન પર પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને કેટલાક વાહનો ફસાઈ ગયા છે.