નવસારી જિલ્લાના વાંસદા અને ચીખલી તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા ધોધમાર વરસાદે ઠેર-ઠેર તારાજી સર્જી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાવાઝોડા જેવી પરિસ્થિતિને કારણે બંને તાલુકાઓમાં મોટા પાયે નુકસાન નોંધાયું છે.


વાંસદામાં માર્ગો અને વીજળી પુરવઠાને અસર

વાંસદા તાલુકામાં ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા (વીજ પોલ) ધરાશાયી થયા છે. ભારે પવનમાં વિશાળ વૃક્ષો તૂટીને મુખ્ય માર્ગો પર પડતાં વાહનવ્યવહાર અવરોધાયો હતો. વીજ પોલ તૂટી પડવાને કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેનાથી લોકોને હાલાકી વેઠવી પડી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગો પરથી ધરાશાયી થયેલા વૃક્ષો હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત્ કરવાની કામગીરી ચાલી રહી છે.

ચીખલીમાં સરકારી ગોડાઉન સહિત ખાનગી મિલકતોને નુકસાન

ચીખલી તાલુકામાં ગાજવીજ સાથે વરસેલા ધોધમાર વરસાદ અને પવને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ચીખલીમાં આવેલું સરકારી અનાજનું ગોડાઉન વાવાઝોડાનો સામનો ન કરી શક્યું. ગોડાઉનની દિવાલ ધરાશાયી થઈ હતી અને પતરાં સહિતનો શેડ ભારે પવનમાં ઉડી ગયો હતો. જેના કારણે ગોડાઉનમાં રાખેલો અનાજનો મોટો જથ્થો વરસાદના પાણીમાં પલળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

વાંસદા તાલુકામાં વાવાઝોડાથી હાલાકી

ભારે પવન અને વરસાદના કારણે અનેક મકાનોના પતરાં ઉડી ગયા હતા.જાહેર સ્થળો પર લગાવેલા મોટા જાહેરાતના હોર્ડિંગ્સ પણ ભારે પવનમાં જમીનદોસ્ત થઈ ગયા હતા, જે સલામતી માટે જોખમી બન્યા હતા. નવસારીના આ બંને તાલુકાઓમાં વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ તંત્ર યુદ્ધના ધોરણે સર્વે અને સફાઈની કામગીરીમાં જોતરાયું છે.

  • Follow us on: