રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પોરબંદરના કુતિયાણા અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેર ઉપરાંત ગ્રામીણ પંથકમાં 1 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. કોટડા, માલ, મહોબતપરા, તેમજ ઘેડ વિસ્તાર સેગરસ, છતરાવા કાસાવડ સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રોડ રસ્તા પાણી પાણી થયા છે. જો કે સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.


[[$googlead]]

રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો

બીજી તરફ રાજકોટમાં પણ વરસાદને લઈને સ્થિતિ કુતિયાણા જેવી જ જોવા મળી રહી છે. રાજકોટમાં ભરબપોરે અંધારૂ છવાયું છે અને ભારે વરસાદ તૂટી પડ્યો છે. સવારથી જ મેઘાડંબર વચ્ચે બપોર પડતા જ એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. શહેરના યાગ્નિક રોડ, કાલાવડ રોડ, રૈયા ચોકડી, જામનગર રોડ, રેલનગર, પોપટપરા, કુવાડવા રોડ, યુનિવર્સિટી રોડ, મવડી, નાના માવા, 150 ફૂટ રિંગ રોડ સહિતના સ્થળે જોરદાર વરસાદ તૂટી પડ્યો છે. ભીષણ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને પગલે રસ્તાઓ ઉપર નદીઓ વહેવા લાગી હોય તેવો માહોલ છવાયો છે.

[[$alsoread]]

રાજ્યમાં બપોરે 12થી 2 વાગ્યા સુધી 64 તાલુકામાં વરસાદ

આજે રાજ્યમાં બપોરે 12થી 2 વાગ્યા સુધી 64 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહેસાણામાં 2 કલાકમાં 2.24 ઈંચ વરસાદ વરસ્યો છે તો તાલાલામાં 2.17 ઈંચ, કુતિયાણામાં 1.85 ઈંચ વરસાદ, લોધિકામાં 1.85 ઈંચ, કવાંટમાં 1.50 ઈંચ, સુરત સિટીમાં 1.14 ઈંચ અને કેશોદમાં 0.98 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં એકંદરે સારા વરસાદને પગલે ખેડૂતોને આ વર્ષે ખેતી માટે પાણીની સમસ્યા નહીં પડે અને પાક પણ સારો ઉતરશે તેવી ખેડૂતોને આશા છે અને વરસાદને લઈને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. 

  • Follow us on: