પોરબંદરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, માધવપુરના બજારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે સ્થાનિકોએ નગરપાલિકા સામે રોષ વ્યકત કર્યો છે, તો પોરબંદરના ખેડૂતોમાં પણ નારાજગી વ્યાપી છે, કેમકે તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યા છે અને વાવેતરને નુકસાન થયું છે.
પોરબંદરના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે
પોરબંદરના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ના ખેડવાને લઈ સૂચના પણ આપવામાં આવી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવા લાગ્યો છે, એક તરફ વરસાદનું પ્રમાણ વધતા નવરાત્રિમાં આયોજકો અને ખેલૈયાઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
સૌરાષ્ટ્રમાં હજી ભારે વરસાદની આગાહી
લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્રમાં બે દિવસ વરસાદ પડ્યા બાદ આજે ત્રીજા દિવસે મેઘાવી માહોલ વચ્ચે વરસાદનું જોર ઘટયું છે. દ્વારકા, સોમનાથ, સોરઠ, અમરેલી, પોરબંદર, રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડયા છે. હજી આગામી 48 કલાક સુધી સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અડધા ઈંચ વરસાદમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. આ ઉપરાંત ઉના, કેશોદ, વેરાવળ, તાલાલા, ખાંભા, માળીયાહાટીનામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે માંગરોળ, ભાણવડ, માણાવદર, સુત્રાપાડા, જૂનાગઢ, વંથલી, રાણાવાવ. ગોંડલ. જોડિયા.ગઢડા, કોડિનાર, કોટડાસાંગાણી, ઉપલેટા, મેંદરડા, જાફરાબાદ સહિતના સ્થળોએ વરસાદ પડતા રસ્તા ઉપરથી પાણી વહેતા થયા હતા.









