સુરતમાં ભારે વરસાદના પગલે સ્કૂલ વાન પાણીમાં ફસાઈ હતી. ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમે ભારે જહેમતે 10 બાળકોનું રેસ્ક્યુ કર્યુ હતું. ફાયર ટીમે બાળકોનું રેસ્ક્યુ કરી વાલીઓને સોંપ્યા હતા. વાનમાં સવાર તમામ બાળકોને ફાયરની ગાડીમાં બેસાડીને લાવામાં આવ્યા હતા. સુરતમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા. છેલ્લા 4 કલાકમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
ભારે વરસાદના પગલે શાળાઓમાં રજા જાહેર
શહેરમાં ભારે વરસાદના પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉધના દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે, બેગમપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે અને સહારા દરવાજા ગરનાળામાં પાણી ભરાયું છે. રાંદેર સિંગણપોર કોઝવે બંધ કરાયો છે. સુરતના કામરેજમાં 1.81 ઇંચ વરસાદ, તલાલામાં 1.34 ઇંચ, વ્યારામાં 1.1 ઇંચ, વાલોદ અને માંડવીમાં 1-1 ઇંચ વરસાદ, કપરાડામાં 75 મીમી, ઉમરગામમાં 71 મીમી વરસાદ, બારડોલીમાં 47 મીમી, માળીયાહાટીના 47 મીમી વરસાદ, ડેડીયાપાડામાં 43 મીમી, વાપીમાં 39 મીમી વરસાદ ખાબકયો છે.
165 તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 165 તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે જૂનાગઢના મેંદરડા તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.









