સુરતમાં સતત વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. આ દરમિયાન દર્દીઓની સ્થિતિ કફોડી બની છે. શહેરમાં કેટલીક જગ્યાએ બોટની સુવિધા નહીં હોવાથી દર્દીઓની સ્થિતિ કફોડી બની છે. એક વૃદ્ધ વ્યક્તિનિ તબિયત લથડતાં અવ્યવસ્થા વચ્ચે તેમને ઉંચકીને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યા હતાં.
રેમાન નામના વ્યક્તિની તબિયત લથડી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં ખાડીપૂરના પાણી અનેક ઠેકાણે ફરી વળ્યાં છે. અનેક સોસાયટીઓ અને મકાનો ખાડીપુરના પાણીમાં ગરકાવ હોવાનું જાણવા મળ્યું છે. આ સ્થિતિમાં શહેરના લિંબાયત વિસ્તારના મીઠી ખાડીમાં પુરના પાણી હજી ઓસર્યા નથી. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સતત બે દિવસથી ભરાઈ ગયેલા પાણીને કારણે દર્દીઓની હાલત કફોડી બની છે. આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે 108 એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકે તેમ નથી. બીજી તરફ ત્યાં બોટની પણ કોઈ સુવિધા નહીં હોવાથી ઈમર્જન્સી જેવી સ્થિતિમાં પહોંચી વળવું તે પણ એક સવાલ બન્યો છે.
વૃદ્ધ દર્દીને ઊંચકીને 108 સુધી લઇ જવાયા
આ દરમિયાન લિંબાયતમાં રેમાન નામના એક વ્યક્તિની તબિયત બગડી હતી. દર્દીને હોસ્પિટલ લઈ જવામાં અવ્યવસ્થાનો અનુભવ થયો હતો. દર્દી વૃદ્ધ હોવાથી તેમને ઘૂંટણસમા પાણીમાં ઉંચકીને 108 સુધી પહોંચાડવામાં આવ્યા હતાં. આ ઘટનામાં 108 એમ્બ્યુલન્સ તો સમયસર પહોંચી ગઈ હતી. પરંતુ એમ્બ્યુલન્સ સુધી પહોંચતા દર્દીને અડધા કલાકથી વધુ સમય લાગ્યો હતો. સ્થાનિકો અને સંબંધીઓ દ્વારા દર્દીને ઊંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાયા હતાં.









