સુરતમા છેલ્લા 4 કલાકમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે, વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને ખટોદરા GIDCમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો છે, થોડીક જ વારમાં સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન પહેલેથી જ પાણીમાં ગયો છે.
ખટોદરા GIDCમાં ઘૂંટણસમા પાણી ભરાયા
ખટોજગામાં જીઆઈડીસી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને મનપાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે, સુરત શહેરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે. કોર્પોરેશનના અધિકારીઓ પણ જયાં પાણી ભરાયા છે ત્યાં જોવા મળ્યા નથી.
સુરત શહેરમાં ભારે વરસાદ
સુરત શહેરમાં ભારે વરસાદના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા છે, અનેક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે અને લાલ દરવાજાથી સ્ટેશન રોડ પાણીમાં ગરકાવ થયો છે. સુરત શહેરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, ઉધના દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે, બેગમપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે અને સહારા દરવાજા ગરનાળામાં પાણી ભરાયું છે. રાંદેર સિંગણપોર કોઝવે બંધ કરાયો છે.
રાજ્યમાં 10 વાગ્યા સુધીના વરસાદી આંકડા
સુરત શહેરમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકયો છે, સુરતના કામરેજમાં 1.81 ઇંચ વરસાદ, તલાલામાં 1.34 ઇંચ, વ્યારામાં 1.1 ઇંચ, વાલોદ અને માંડવીમાં 1-1 ઇંચ વરસાદ, કપરાડામાં 75 મીમી, ઉમરગામમાં 71 મીમી વરસાદ, બારડોલીમાં 47 મીમી, માળીયાહાટીના 47 મીમી વરસાદ, ડેડીયાપાડામાં 43 મીમી, વાપીમાં 39 મીમી વરસાદ ખાબકયો છે.









