ગુજરાતમાં કમોસમી વરસાદે જ્યાં એક તરફ ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે, ત્યાં બીજી તરફ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક પણ ચિંતાજનક રીતે વધી છે. તાપી જિલ્લામાં આવેલો ઉકાઇ ડેમ તેની ભયજનક સપાટી નજીક પહોંચી જતાં તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
તાપીમાં ઉકાઇ ડેમના દરવાજા ખોલાયા
હાલમાં ઉકાઇ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી ગઈ છે, જે ભયજનક સ્તરની એકદમ નજીક છે. ઉપરવાસમાંથી ડેમમાં 46,418 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત વધતી આવકને નિયંત્રિત કરવા માટે અને ડેમની સુરક્ષા જાળવવા માટે તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. ઉકાઇ ડેમના કુલ ત્રણ દરવાજાઓને 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને આવક જેટલું જ એટલે કે 46,418 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે.










