ગત મોડી રાત્રે વલસાડ જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં જોરદાર વધારો થયો છે. આ ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં હોવાથી ડેમ સત્તાવાળાઓ દ્વારા દમણગંગા નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વલસાડ જિલ્લાના દમણગંગા નદી કિનારે આવેલા 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
મધુબેન ડેમમાં પાણીની આવકમાં વધારો
મળતી માહિતી મુજબ, ઉપરવાસમાં થયેલા અવિરત વરસાદને કારણે મધુબન ડેમની સપાટી 79.70 મીટર પર પહોંચી ગઈ છે, જે તેની ભયજનક સપાટીની અત્યંત નજીક છે. ડેમમાં પાણીની આવક 1,85,000 ક્યુસેક સુધી પહોંચી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ડેમની સલામતી જાળવવા અને પૂરની પરિસ્થિતિ ટાળવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.તંત્ર દ્વારા ડેમના 10 દરવાજા ખોલીને દમણગંગા નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આટલી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા દમણગંગા નદીની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
દમણગંગા નદી કિનારે આવેલા 13 ગામોને એલર્ટ
આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને, વલસાડ જિલ્લાના વહીવટી તંત્રએ દમણગંગા નદીના કિનારે આવેલા કુલ 13 ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આ ગામોના સરપંચો અને આગેવાનોને સૂચના આપવામાં આવી છે કે તેઓ નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે જાણ કરે. આ ગામોના લોકોને નદીના પટમાં ન જવા, માલઢોરને દૂર રાખવા અને કોઈપણ પ્રકારનું જોખમ ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્રએ જણાવ્યું છે કે પૂરની પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જો જરૂર પડશે તો લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.