આજે રાજ્યમાં સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે, રાજ્યના દરિયાકાંઠે સિગ્નલ 3 લગાવવામાં આવ્યું છે.
હાલમાં 2 વરસાદી સિસ્ટમના કારણે વરસાદી માહોલ
ગુજરાતમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે, 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શકયતાઓ રહેલી છે, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાની વાત સામે આવી છે, તો વરસાદને લઈ સાબરકાંઠા, નવસારીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, વલસાડ, દમણમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
કચ્છ અને જૂનાગઢમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ડાંગ, મહીસાગર, સુરત, તાપી, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સાબરકાંઠાના વડાલીમાં સૌથી વધુ 7.36 ઇંચ વરસાદ, ખેડબ્રહ્મામાં 7.13 ઇંચ, સતલાસણામાં 3.78 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 3.11 ઇંચ, ઇડરમાં 2.76 ઇંચ વરસાદ, આણંદમાં 2.9 ઇંચ, સરસ્વતીમાં 1.97 ઇંચ વરસાદ, નડિયાદમાં 1.97 ઇંચ, હિંમતનગરમાં 1.81 ઇંચ વરસાદ, વિજાપુરમાં 1.69 ઇંચ, કપરાડામાં 1.69 ઇંચ વરસાદ, ઊંઝામાં 1.54 ઇંચ, જાંબુઘોડામાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે.
અલગ-અલગ જિલ્લામાં 20 SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૮૦.૮૪ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૭૫.૭૪ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૭૩ ડેમને હાઇ એલર્ટ, ૩૫ ડેમને એલર્ટ અને ૧૬ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૫ થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા ૫,૨૦૫ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ ૯૦૦ નગરિકોનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા ૧૨ NDRFની ટીમ તેમજ ૨૦ SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, આ ઉપરાંત ૦૧ NDRFની અને ૧૩ SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.
માછીમારોએ 25 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવા સૂચના
ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૮૧.૧૪ મિમી એટલે કે ૭૭.૨૪ ટકા નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૮૦.૫૧ ટકા, કચ્છ વિસ્તારમાં ૮૦.૨૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૭.૩૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૫.૮૭ ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૩.૪૦ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૨૨ થી ૨૫ ઓગષ્ટ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.









