રાજ્યમાં 19 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આજથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે અને 14 થી 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 68.79 ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં 66.54 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, કચ્છમાં 65.13 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 56.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી ૫૨ ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 25 ડેમ એલર્ટ પર તેમજ 26 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.
તા. ૧૧ થી ૧૪ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે
ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૮૨.૩૫ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૦ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨.૬૫ લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા ક્રમમાં ૨.૬૪ લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે. ગુજરાતના માછીમારોને તા. ૧૧ થી ૧૪ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે. હાલની સ્થિતિમાં ગુજરાતના તમામ ગામોમાં વીજ પુરવઠો તેમજ એસ.ટી બસના તમામ ૧૪,૫૯૮ રૂટ પર ૪૦,૨૬૪ ટ્રીપ કાર્યરત છે.









