હવામાન વિભાગે રાજયમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે, રાજયમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાની વાત સામે આવી છે, ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, તો માછીમારોને આગામી 4 દિવસ દરિયો ના ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.
જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો રાજયમાં સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, મોરબી, અરવલ્લી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં 4.02 ઈંચ, સુરતના ઉમરપાડામાં 3.90 ઈંચ વરસાદ, ઈડરમાં 3.86 ઈંચ, વ્યારામાં 3.54 ઈંચ વરસાદ, ડભોઈમાં 3.15 ઈંચ, દાંતામાં 3.11 ઈંચ વરસાદ, રાધનપુરમાં 3.11 ઈંચ, ખેડબ્રહ્મામાં 3.07 ઈંચ, વાલોડમાં 3.03 ઈંચ, ભિલોડામાં 3.03 ઈંચ વરસાદ, સુરત સિટીમાં 2.80 ઈંચ, માળીયામાં 2.68 ઈંચ, ડેડીયાપાડામાં 2.56 ઈંચ, કુકરમુંડામાં 2.32 ઈંચ નોંધાયો છે.
રાજયમાં આજે સવારે 6થી 8 વાગ્યા સુધી 70 તાલુકામાં વરસાદ
રાજયમાં આજે સવારે 6થી 8 વાગ્યા સુધી 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 1.65 ઈંચ વરસાદ, સાબરકાંઠાના વડાલીમાં 1.38 ઈંચ વરસાદ, સુરતના માંડવીમાં 1.14 ઈંચ, વિજયનગરમાં 1.06 ઈંચ, 66 તાલુકાઓમાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
અલગ-અલગ જિલ્લામાં 20 SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૮૦.૮૪ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૭૫.૭૪ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૭૩ ડેમને હાઇ એલર્ટ, ૩૫ ડેમને એલર્ટ અને ૧૬ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૫ થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા ૫,૨૦૫ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ ૯૦૦ નગરિકોનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા ૧૨ NDRFની ટીમ તેમજ ૨૦ SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, આ ઉપરાંત ૦૧ NDRFની અને ૧૩ SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.
માછીમારોએ 25 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવા સૂચના
ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૮૧.૧૪ મિમી એટલે કે ૭૭.૨૪ ટકા નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૮૦.૫૧ ટકા, કચ્છ વિસ્તારમાં ૮૦.૨૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૭.૩૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૫.૮૭ ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૩.૪૦ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૨૨ થી ૨૫ ઓગષ્ટ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.









