આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ રાજ્ય તરફ સક્રિય થઈ છે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો કયાં અપાઈ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહિસાગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, ભરૂચ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, શીયર ઝોન, ઓફ શોર ટ્રફ અને મોનસૂન ટ્રફ હાલ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ વલસાડના પારડીમાં 3.58 ઈંચ વરસાદ, ધરમપુરમાં 2.72 ઈંચ, ખેરગામમાં 2.13 ઈંચ વરસાદ, કપરાડામાં 2.05 ઈંચ, તલોદમાં 2.01 ઈંચ વરસાદ, વલસાડમાં 1.97 ઈંચ, ડાંગ-આહવામાં 1.77 ઈંચ, વઘઈમાં 1.73 ઈંચ, ધનસુરામાં 1.73 ઈંચ વરસાદ, ઉમરગામમાં 1.69 ઈંચ, તિલકવાડામાં 1.69 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૮.૯૯ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં ૭૮.૮૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૬.૩૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૪.૬૭ ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં ૭૧.૯૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC,ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
ગુજરાતમાં 16 ડેમ વોર્નિંગ પર છે
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૩૭ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૫૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૬૬ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૩૬ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૩૦ ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૧૯ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૭૦ ડેમ હાઈ એલર્ટ, ૩૫ ડેમ એલર્ટ તથા ૧૬ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.









